અરવલ્લી: ગુજરાતના રાજકારણમાં આજે વધુ એક મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રના ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા અધિકારીઓનું રાજકારણમાં જોડાવાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આજે રાજ્યના પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાવા જઈ રહ્યા છે. માત્ર બે દિવસ પહેલા જ પોલીસ સેવામાંથી રાજીનામું આપનાર મનોજ નિનામા આજે શામળાજી ખાતે યોજાનારા પક્ષના એક ભવ્ય કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કરી પોતાની નવી રાજકીય સફરનો પ્રારંભ કરશે.
રસપ્રદ વાત એ છે કે, મનોજ નિનામાના ભાજપમાં પ્રવેશ પાછળ તેમના મિત્ર અને રાજ્યના મંત્રી પી.સી. બરંડા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું મનાય છે. આ બંને મહાનુભાવો વચ્ચે જૂનો અને અતૂટ નાતો છે. બંને એક જ તાલુકાના વતની છે, સાથે અભ્યાસ કર્યો છે અને વર્ષ 2006માં એકસાથે પોલીસ સેવામાં જોડાયા હતા. તેમની ટ્રેનિંગ પણ સાથે જ પૂર્ણ થઈ હતી. હવે જ્યારે પી.સી. બરંડા પહેલેથી જ મંત્રી તરીકે સેવામાં છે, ત્યારે તેમના જૂના સાથી મનોજ નિનામા પણ હવે ખાખી વર્ધી ઉતારીને કેસરિયા રંગે રંગાઈ રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, મનોજ નિનામા માત્ર પક્ષના કાર્યકર બનીને નહીં રહે, પરંતુ તેઓ ચૂંટણીના મેદાનમાં સીધા ઉતરવાની તૈયારીમાં છે. અહેવાલો છે કે તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવશે અને જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે. ભાજપ માટે એક અનુભવી અને નિવૃત્ત IPS અધિકારીને પક્ષમાં લાવવા એ ઉત્તર ગુજરાતમાં મજબૂત વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે.
એક તરફ લોકપ્રિય અધિકારી અને બીજી તરફ ખેડૂત નેતાનું ભાજપમાં આગમન વિપક્ષો માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બની શકે છે. શામળાજીમાં યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી જોવા મળી રહી છે, જે આગામી ચૂંટણીઓના સમીકરણો બદલવા માટે પૂરતી છે.