દેશમાં સતત વધી રહેલા હવાઈ ભાડાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. જોકે, સોમવારે આ અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હવાઈ ભાડામાં 700 ટકા સુધીનો વધારો થયો હોવાની દલીલ કરવામાં આવી હતી. તેના જવાબમાં જસ્ટિસ જે. વિક્રમ નાથની બેન્ચે ટકોર કરતાં કહ્યું હતું કે, 'તમે હવાઈ મુસાફરી ન કરો. આગળ વધો.' આ સાથે જ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
અરજદારે ભાડામાં વધારાને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું
સુપ્રીમ કોર્ટમાં વકીલે દલીલ કરી હતી કે હવાઈ મુસાફરી આજના સમયમાં જરૂરી સેવા બની ગઈ છે. એરલાઇન્સ દ્વારા ટિકિટના ભાડામાં 700 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
અરજદારના જણાવ્યા અનુસાર, આટલો મોટો ભાવવધારો સામાન્ય મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરે છે અને બંધારણની કલમ 14 હેઠળ આપવામાં આવેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલો પર વિગતવાર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
દર વર્ષે કરોડો લોકો કરે છે હવાઈ મુસાફરી
ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCAના 2024-25ના આંકડા અનુસાર, દેશમાં દર વર્ષે આશરે 24 કરોડ હવાઈ મુસાફરી નોંધાય છે. જેમાં 16.55 કરોડ સ્થાનિક અને 7.39 કરોડ આંતરરાષ્ટ્રીય મુસાફરીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવાઈ ભાડામાં થતો વધારો સામાન્ય મુસાફરોના બજેટ પર સીધી અસર કરે છે.
2027થી એરલાઇન્સ પોતાની રીતે નક્કી કરી શકશે ભાડાં
હવાઈ ભાડાંને લઈને આ ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય વિમાન નિયમો, 2026નું ગેઝેટ બહાર પાડ્યું છે. નવા નિયમો અનુસાર, એરલાઇન્સને હવે હવાઈ ટિકિટના ભાડા નક્કી કરવા માટે સરકારની અગાઉથી મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.
એરલાઇન્સ પોતાની વ્યવસાયિક નીતિ અનુસાર ટિકિટના ભાવમાં વધારો કે ઘટાડો કરી શકશે. જોકે, કોઈ ખાસ અથવા અનિવાર્ય પરિસ્થિતિ ઊભી થાય તો સરકાર એરલાઇન્સને ભાડાં અંગે જરૂરી નિર્દેશ આપી શકશે. આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.
તહેવારોની સિઝનમાં પણ મુસાફરોને મોંઘી ટિકિટનો માર
તહેવારોની સિઝનમાં હવાઈ મુસાફરીની માંગ વધતાં ટિકિટના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. હવાઈ ઈંધણની વધતી કિંમતો અને ફ્લાઇટ્સની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડી રહ્યું છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પણ જણાવ્યું હતું કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતોમાં વધારો થવાને કારણે હવાઈ ભાડાં નિયંત્રિત રાખવા પડકારજનક બની રહ્યું છે.
એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ પણ વધાર્યા ફ્યુઅલ ચાર્જ
થોડા દિવસ પહેલાં જ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે મુસાફરો પાસેથી વધારાનો ફ્યુઅલ ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી.
એર ઇન્ડિયાએ 9 ઑક્ટોબરથી સ્થાનિક ફ્લાઇટ્સમાં 1,200 રૂપિયા સુધી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 17,800 રૂપિયા સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લાગુ કર્યો હતો. આ ચાર્જ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો.
હવે એક તરફ હવાઈ ભાડામાં વધારાને લઈને સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે, તો બીજી તરફ નવા નિયમો હેઠળ એરલાઇન્સને ટિકિટના ભાવ નક્કી કરવાની વધુ સ્વતંત્રતા મળવાની છે. ત્યારે આગામી સમયમાં હવાઈ મુસાફરી કેટલી મોંઘી થશે અને તેની સામાન્ય મુસાફરો પર કેવી અસર પડશે તે જોવું મહત્ત્વનું રહેશે.