ગુજરાત વિધાનસભામાં ઈંધણ અને રાંધણ ગેસની ઉપલબ્ધતા અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે જણાવ્યું કે ગુજરાત ગેસ ક્ષેત્રે દેશનું મજબૂત કેન્દ્ર છે, જ્યાં ભારતની કુલ રિગેસિફિકેશન ક્ષમતાનો 62% હિસ્સો આવેલો છે. રાજ્યમાં હાલમાં 1,073 CNG સ્ટેશનો અને 37 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન કાર્યરત છે, તેમજ સામાન્ય જનતાને મળતા ગેસને પ્રાથમિકતા આપવામાં આવતા પુરવઠો નિયમિત રહેશે.
અફવાઓના કારણે રાજ્યમાં ઈંધણની માંગ અચાનક 4 થી 5 ગણો વધતા સરકારે 23 માર્ચ 2026ના રોજ પરિપત્ર જાહેર કરી પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નિયંત્રણ મૂક્યું છે. હવે મુખ્યત્વે વાહનોની ટાંકી પૂરતું જ ઈંધણ આપવામાં આવશે, જ્યારે ખેતી અને મોબાઈલ ટાવર માટે મર્યાદિત પ્રમાણમાં બેરલ દ્વારા પુરવઠો મંજૂર કરવામાં આવ્યો છે. સંગ્રહખોરી કે કૃત્રિમ અછત ઉભી કરનારાઓ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
રાંધણ ગેસનો પુરવઠો સરળતાથી જળવાઈ રહે તે માટે રાજ્યમાં 1029 મોનિટરિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાં મહેસૂલ અને પોલીસ વિભાગના કર્મચારીઓ જોડાયેલા છે. નાગરિકોને સહાય માટે 1800-233-0222 હેલ્પલાઇન પણ કાર્યરત છે, જેના માધ્યમથી હજારો ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
જોકે, વિપક્ષે સરકારના આ દાવાઓ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોની સમસ્યા, ગેસની અછત અને લોકોમાં વિશ્વાસના અભાવ જેવા મુદ્દાઓ ઉઠાવી સરકાર પાસે સ્પષ્ટતા અને બફર સ્ટોકની વિગતો જાહેર કરવાની માંગ કરી છે.