Advertisement

ગુજરાતનો દરિયાકાંઠો ફરી ધણધણ્યો: મુન્દ્રા બંદરેથી NCB એ ઝડપ્યું 140 કિલો ડ્રગ્સ, કરોડોની કિંમતનો અંદાજ

ગુજરાતનો દરિયાકાંઠો ફરી ધણધણ્યો: મુન્દ્રા બંદરેથી NCB એ ઝડપ્યું 140 કિલો ડ્રગ્સ, કરોડોની કિંમતનો અંદાજ

કચ્છ: ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય નશાની હેરાફેરીના કેન્દ્રમાં આવ્યો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એ એક ગુપ્ત અને ચોક્કસ બાતમીના આધારે કચ્છના મુન્દ્રા બંદરે વહેલી સવારે દરોડો પાડીને અંદાજે 140 કિલો જેટલો શંકાસ્પદ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે, જેણે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે.


 સૂત્રોના જણાવ્યા અનુસાર, NCB ને અગાઉથી જ પાકી માહિતી મળી હતી કે મુન્દ્રા બંદરે આવેલા એક ચોક્કસ કન્ટેનરમાં નશાકારક પદાર્થ છુપાવીને લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે એજન્સીના અધિકારીઓએ બંદર પર પહોંચીને સંબંધિત કન્ટેનરને સીલ કરી કડક તપાસ હાથ ધરી હતી. કન્ટેનરની તલાશી દરમિયાન તેના કલર અને બનાવટમાં ફેરફાર કરીને ખાસ બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી આ 140 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


 હાલમાં NCB દ્વારા ડ્રગ્સનો આ તમામ જથ્થો કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કયા દેશમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું, તેનો અસલી મોકલનાર કોણ છે અને ભારતમાં આ કરોડો રૂપિયાનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી દીધી છે.


સ્થાનિક પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની મદદથી કન્ટેનરના આયાતકાર (Importer) ની વિગતો મેળવીને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મોટા નેટવર્કને તોડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement