ગુજરાતના રિજનલ સાયન્સ સેન્ટર બન્યા વૈજ્ઞાનિક ચેતનાના પ્રેરણાસ્ત્રોત

ગુજરાતના રિજનલ સાયન્સ સેન્ટર બન્યા વૈજ્ઞાનિક ચેતનાના પ્રેરણાસ્ત્રોત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. રાજ્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા પાટણ, ભૂજ, ભાવનગર અને રાજકોટ ખાતે સ્થાપિત ચાર રિજનલ સાયન્સ સેન્ટર આજે વૈજ્ઞાનિક જાગૃતિ અને જ્ઞાન પ્રસારના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન ૨૫.૬૪ લાખથી વધુ લોકોએ આ સેન્ટરોની મુલાકાત લઈને વિજ્ઞાન પ્રત્યેની પોતાની જિજ્ઞાસાને નવી દિશા આપી છે.


પાટણ સાયન્સ સેન્ટર બન્યું ઉત્તર ગુજરાતનું વૈજ્ઞાનિક હબ


વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલું પાટણ રિજનલ સાયન્સ સેન્ટર ઉત્તર ગુજરાતમાં વિજ્ઞાન પ્રસારનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં ૧૪.૮૬ લાખથી વધુ મુલાકાતીઓ અહીં પહોંચી ચૂક્યા છે. ૨૭૦૦થી વધુ શાળાઓ અને ૭ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવામાં આ કેન્દ્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ડીએનએ, રોબોટિક્સ, હાઈડ્રોપોનિક્સ અને મેકાટ્રોનિક્સ જેવા હેન્ડ્સ-ઓન અભ્યાસક્રમો ઉપરાંત સૈંકડો વર્કશોપ અને વૈજ્ઞાનિક વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૦ કિલોવોટના સોલાર પ્લાન્ટ સાથે આ કેન્દ્ર ટકાઉ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.


ભૂજ સાયન્સ સેન્ટરે સરહદ સુધી પહોંચાડી વિજ્ઞાનની જ્યોત


કચ્છના ભૂજ ખાતે વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલું રિજનલ સાયન્સ સેન્ટર સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં સફળ રહ્યું છે. ૨.૫૭ લાખથી વધુ મુલાકાતીઓ અને ૧.૩૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ અહીં આવી ચૂક્યા છે. મરીન અને સબમરીન સિમ્યુલેટર, 3D થિયેટર તથા વિવિધ વૈજ્ઞાનિક ગેલેરીઓ આ કેન્દ્રના મુખ્ય આકર્ષણો છે. વર્ષ ૨૦૨૪માં અહીં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે વિશેષ આકર્ષણ બની છે.


ભાવનગર સાયન્સ સેન્ટર બન્યું ગ્રીન અને ઇનોવેટિવ લર્નિંગ મોડલ


૨૦ એકર વિસ્તારમાં ફેલાયેલું ભાવનગર રિજનલ સાયન્સ સેન્ટર અનુભવ આધારિત શિક્ષણ માટે જાણીતું બન્યું છે. અહીં મરીન, બાયોલોજી, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રો-મિકેનિક્સ જેવી થીમ આધારિત ગેલેરીઓ કાર્યરત છે. STEM, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવા આધુનિક વિષયો પર તાલીમ આપવામાં આવે છે. ૧૦૦ કિલોવોટના સોલાર પ્લાન્ટ, ઝીરો વોટર વેસ્ટ સિસ્ટમ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસના કારણે આ કેન્દ્ર ગ્રીન સાયન્સ મોડલ તરીકે પણ ઓળખાય છે.


રાજકોટ સાયન્સ સેન્ટર બની રહ્યું છે ફ્યુચર ટેક્નોલોજીનું કેન્દ્ર


રાજકોટ રિજનલ સાયન્સ સેન્ટર આધુનિક ટેક્નોલોજી આધારિત શિક્ષણ માટે વિશેષ ઓળખ ધરાવે છે. અહીં ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR), હોલોગ્રામ અને સિમ્યુલેશન ઝોન જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. રોબોટિક્સ, મશીન એન્જિનિયરિંગ અને લાઈફ સાયન્સ જેવી ગેલેરીઓ દ્વારા વિદ્યાર્થીઓને નવી પેઢીની ટેક્નોલોજીનો અનુભવ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૩.૬૪ લાખથી વધુ મુલાકાતીઓ અને ૧.૬૭ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અહીં વિજ્ઞાનના વિવિધ પાસાઓને નજીકથી જાણ્યા છે.


વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતની સતત પ્રગતિ


રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. ચારેય રિજનલ સાયન્સ સેન્ટર માત્ર પ્રદર્શન કેન્દ્રો નહીં પરંતુ જ્ઞાન, સંશોધન અને નવીનતાના પ્રેરણાસ્થાન બની રહ્યા છે. વિજ્ઞાનને જનજન સુધી પહોંચાડવાના પ્રયાસોમાં આ કેન્દ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, જે ગુજરાતને જ્ઞાન આધારિત સમાજ તરફ આગળ વધારવામાં મદદરૂપ બની રહ્યા છે.