Advertisement

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ 'માવઠા'ની આફત: 29-30 માર્ચે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ 'માવઠા'ની આફત: 29-30 માર્ચે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કુદરતી આફત જેવો માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી 29 અને 30 માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 માર્ચે ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે, જેને પગલે માછીમારોને આ દિવસે દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. જ્યારે 30 માર્ચે વરસાદનો વ્યાપ વધશે અને કચ્છ, બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.


વરસાદની આ આગાહી વચ્ચે હાલ રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે. 25 થી 28 માર્ચ દરમિયાન રાજ્યભરમાં ગરમીની અસર વર્તાશે, જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. પવનોના બદલાતા પ્રવાહને કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી અનુભવાશે, પરંતુ માર્ચના અંતિમ દિવસોમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને માવઠાની અસરને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉનાળુ પાક અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો પર ફરી એકવાર આર્થિક નુકસાનનું જોખમ તોળાઈ રહ્યું છે.


અમદાવાદ હવામાન વિભાગના અધિકારી એ. કે. દાસે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 28 માર્ચ સુધી વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે, પરંતુ 28 માર્ચની રાતથી જ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 29 અને 30 માર્ચે અમુક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ થઈ શકે છે. આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પણ ત્યારપછી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 કિમીની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે.

Advertisement