અમદાવાદ: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી અને સૂકા હવામાન વચ્ચે હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે ચિંતાજનક આગાહી કરી છે. ૨૮ માર્ચની રાત્રિથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આગામી ૨૯ માર્ચથી માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહ્યું હોવા છતાં, ૨૯ અને ૩૦ માર્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને માવઠાને લઈને વિસ્તૃત આગાહી કરી છે. તેમના મતે ૨૮ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કવખતે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ૧૨ એપ્રિલ સુધી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય રહેશે, જ્યારે મે મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની પણ સંભાવના છે. ૧૧ થી ૨૦ મે દરમિયાન રાજ્યમાં ભારે વંટોળ સાથે વરસાદ અને ત્યારબાદ ૨૪ મે થી ૪ જૂન વચ્ચે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
વરસાદની સંભવિત અસરની વાત કરીએ તો, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત પંચમહાલ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટડી અને દસાડા જેવા પંથકોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉનાળાની શરૂઆતમાં જ વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે માવઠાને લીધે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.