Advertisement

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે સિસ્ટમ એકસાથે સક્રિય બનતા તેમજ ભેજવાળા પવનો ફૂંકાતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તેની અસર હેઠળ આજે 6 મેના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.


અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો પણ નોંધાઈ શકે છે.


હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 7 મેથી 12 મે દરમિયાન રાજ્યમાં મોટાભાગે સૂકું હવામાન રહેવાની શક્યતા છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર 1.5 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે અને ગરમી સાથે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.


તાજેતરના આંકડા મુજબ રાજકોટમાં સૌથી વધુ 42.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 39 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સુધી વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ લોકોને પરેશાન કરી શકે છે.

Advertisement