અમદાવાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, PM મોદી સૌપ્રથમ 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'ને ખુલ્લું મૂકશે અને ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે સાણંદ પહોંચશે. સાણંદ ખાતે તેઓ મહત્વાકાંક્ષી 'Kaynes Semicon' પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદથી પીએમ સીધા ડીસા પહોંચશે, જ્યાં રોડ માર્ગે નાણી ગામ સભાસ્થળે જઈ જંગી જાહેર સભાને સંબોધિત કરશે. અહીં વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ બાદ સાંજે ૫:૩૦ કલાકે તેઓ આસામ જવા રવાના થશે.
વડાપ્રધાનની આ મુલાકાત માત્ર વિકાસકામો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અને ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના સંદર્ભમાં પણ અત્યંત મહત્વની માનવામાં આવે છે. પીએમ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને અન્ય ટોચના નેતાઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપે તેવી પ્રબળ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૮ ફેબ્રુઆરીએ વડાપ્રધાને સાણંદમાં માઈક્રોન ટેક્નોલોજીસના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે બાદ હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે આ બીજો મોટો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે.
બીજી તરફ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને અટકળો તેજ બની છે. રાજકીય વિશ્લેષકોના મતે ૧૮ એપ્રિલની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે. ૨૫મી માર્ચે વિધાનસભાનું અંદાજપત્ર સત્ર પૂર્ણ થતાની સાથે જ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં ૩૨ જિલ્લા પંચાયતો, ૨૬૦ તાલુકા પંચાયતો, અમદાવાદ સહિત ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ૭૧ નગરપાલિકાઓમાં એકસાથે ચૂંટણીઓ યોજાનાર છે. અત્યારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહીવટદારોનું શાસન છે, ત્યારે ભરઉનાળે ૪૨ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.