Advertisement

ગુજરાતમાં 'બોગસ ખેડૂત' કૌભાંડનો પર્દાફાશ: અમદાવાદ-ગાંધીનગરમાં 194 નકલી ખાતેદારો ઝડપાયા, હાઈકોર્ટ સુધી પહોંચ્યો વિવાદ

ગુજરાતમાં 'બોગસ ખેડૂત' કૌભાંડનો પર્દાફાશ: અમદાવાદ-ગાંધીનગરમાં 194 નકલી ખાતેદારો ઝડપાયા, હાઈકોર્ટ સુધી પહોંચ્યો વિવાદ

ગાંધીનગર: ગુજરાતમાં મોંઘીદાટ જમીનો હડપ કરવા અને સરકારી યોજનાઓના મબલખ લાભો મેળવવા માટે બોગસ દસ્તાવેજોના આધારે 'ખેડૂત' બની બેસવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે, છેલ્લા માત્ર બે વર્ષમાં પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ જિલ્લામાં કુલ 194 લોકો બોગસ ખેડૂત ખાતેદાર તરીકે સામે આવ્યા છે. આ કૌભાંડમાં ભ્રષ્ટ સરકારી તંત્રની મિલીભગત હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે, જેને કારણે ખેતી લાયક જમીનો અને ખેડૂતોના હકો પર તરાપ મારવામાં આવી રહી છે.


આ આશ્ચર્યજનક વિગતો મુજબ, માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પણ આ વિવાદમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરા પણ મળતા નામે દસ્તાવેજો રજૂ કરીને ખોટા ખેડૂત બન્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે, અને આ ગંભીર મામલો હવે છેક દિલ્હી હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બોગસ ખેડૂતો વિરુદ્ધ 89 ફરિયાદો નોંધવામાં આવી છે, જે દર્શાવે છે કે જમીન પચાવી પાડવાનું નેટવર્ક કેટલું ઊંડું ઉતરેલું છે.


તાલુકાવાર વિગતો તપાસતા માલૂમ પડે છે કે, અમદાવાદના દશક્રોઈમાં સૌથી વધુ 29 અને સાણંદમાં 25 બોગસ ખાતેદારો સામે ફરિયાદ મળી છે. આ ઉપરાંત વટવા, ઘાટલોડિયા, વેજલપુર અને વિરમગામ જેવા વિસ્તારોમાં પણ નકલી ખેડૂતોનો રાફડો ફાટ્યો છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લાની સ્થિતિ પણ ચિંતાજનક છે, જ્યાં કુલ 85 ફરિયાદો પૈકી ગાંધીનગર તાલુકામાં 41 અને કલોલમાં 27 કેસો નોંધાયા છે. દહેગામ અને માણસામાં પણ બોગસ ખાતેદારોની વિગતો મહેસૂલ વિભાગના ચોપડે ચડી છે.


હાલમાં આ મામલે મહેસૂલ વિભાગે લાલ આંખ કરી છે અને કાયદેસરની કાર્યવાહી તેજ બનાવી છે. ગાંધીનગર જિલ્લામાં ગણોતધારા હેઠળ 61 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 24 કેસોમાં હજુ પણ તપાસ અને સુનાવણીની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ જિલ્લામાં પણ 28 કેસો પૂર્ણ થયા છે અને અન્ય 61 કેસોમાં તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ કૌભાંડ સામે આવતા હવે આગામી દિવસોમાં અનેક મોટા માથાઓ સામે કાયદાનો સકંજો કસાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Advertisement