ગાંધીનગર: ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવાના હેતુથી આજે (૨૪ માર્ચ) રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ બિલ ૨૦૨૬ રજૂ કરવામાં આવશે. ‘ગુજરાત બિલ નંબર ૧૭ ઓફ ૨૦૨૬’ તરીકે ઓળખાતા આ વિધેયક પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થવાની છે. જો આ બિલ પસાર થશે, તો ગુજરાત ઉત્તરાખંડ બાદ દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ થશે.
આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન સંબંધ જેવા મુદ્દાઓમાં એકસરખો કાયદો લાગુ કરવાનો છે. નવા પ્રાવધાનો મુજબ લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત બનશે. લિવ-ઇન સંબંધમાં રહેતા દંપતીએ નોંધણી અધિકારી સમક્ષ નિવેદન આપવું ફરજિયાત રહેશે. આવા સંબંધોમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા પણ મળશે. આ કાયદો રાજ્યમાં વસતા તમામ નાગરિકો ઉપરાંત રાજ્ય બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.
આ સંહિતાનો હેતુ વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ અને પરંપરાગત અધિકારો ધરાવતા કેટલાક સમુદાયોને આ કાયદાના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
આ બિલ તૈયાર કરવા માટે નિવૃત્ત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનું વિશ્લેષણ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો, જેના આધારે આ વિધેયક તૈયાર કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ મહત્વપૂર્ણ બિલને પસાર કરાવવા માટે શાસક પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, વિપક્ષ પક્ષોના નેતાઓ સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત હોવાને કારણે વિધાનસભામાં તેમની હાજરી ઓછી રહે તેવી શક્યતા છે. તેમ છતાં, આ મુદ્દે ગૃહમાં તીવ્ર ચર્ચા થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.