ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’નું ટ્રેલર રિલીઝ, કોમેડી સાથે સસ્પેન્સનો અનોખો સંગમ

ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’નું ટ્રેલર રિલીઝ, કોમેડી સાથે સસ્પેન્સનો અનોખો સંગમ

ગુજરાતી સિનેમામાં મનોરંજનનો નવો ડોઝ લઈને ફિલ્મ ‘ડમરુ’ દર્શકો સમક્ષ આવી રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કોમેડી, પ્રેમ, ગુસ્સો અને રહસ્યથી ભરપૂર કહાનીની ઝલક જોવા મળે છે.

ફિલ્મની વાર્તા એક રિસોર્ટની આસપાસ આકાર લે છે, જ્યાં તમામ મુખ્ય પાત્રો એકસાથે ભેગાં થાય છે. આ મુલાકાત દરમિયાન અનેક રહસ્યો સામે આવવાની શક્યતા ઊભી થાય છે. દરેક પાત્ર કંઈક ને કંઈક છુપાવી રહ્યું છે, જેના કારણે વાર્તામાં સસ્પેન્સ ઊભું થાય છે. પાત્રો વચ્ચેના સંબંધો, પ્રેમ અને ગુસ્સાની સાથે કોમેડીનો પણ રસપ્રદ સમન્વય જોવા મળે છે.

ટ્રેલરમાં રહસ્યમય ઘટનાઓની ઝલક રજૂ કરવામાં આવી છે, પરંતુ પાત્રોનાં સિક્રેટ્સ પાછળનું સાચું કારણ શું છે અને તેમની વચ્ચેની ગૂંચવણો કઈ દિશામાં આગળ વધે છે, તે જાણવા માટે દર્શકોએ ફિલ્મની રિલીઝ સુધી રાહ જોવી પડશે.

ફિલ્મમાં ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારો સંજય ગોરાડિયા, મૌલિક ચૌહાણ, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ અને હેમાંગ દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની ટીમની વાત કરીએ તો, ગુજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક પરીખે કર્યું છે. જ્યારે રમેશ પ્રજાપતિ, સંજય સોની અને કૃપા સોનીએ ફિલ્મના નિર્માણની જવાબદારી સંભાળી છે.

કોમેડીની સાથે રહસ્ય અને સસ્પેન્સ પીરસતી ‘ડમરુ’નું ટ્રેલર દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા જગાવે છે. હવે ફિલ્મમાં આ તમામ રહસ્યો કેવી રીતે ઉકેલાય છે અને દર્શકોને કેટલી મજા આવે છે, તે જોવું રસપ્રદ રહેશે.