Advertisement

ગુજરાત વિધાનસભામાં મહત્વનું વિધેયક પસાર: નકલી ડોક્ટરો સામે લાલ આંખ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં મોટા સુધારા

ગુજરાત વિધાનસભામાં મહત્વનું વિધેયક પસાર: નકલી ડોક્ટરો સામે લાલ આંખ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં મોટા સુધારા

ગાંધીનગર: રાજ્યમાં તબીબી સેવાઓની ગુણવત્તા જાળવવા અને નકલી ડોક્ટરો તેમજ લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં 'ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026' કોઈ પણ વિરોધ વગર સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. 

આ નવા સુધારાને કારણે રાજ્યમાં કાર્યરત હોસ્પિટલો અને ક્લિનિક્સના રજિસ્ટ્રેશનની જટિલ પ્રક્રિયા હવે વધુ લવચીક, પારદર્શક અને કાર્યક્ષમ બનશે, જેનાથી વહીવટી સરળતામાં વધારો થશે.


આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2021માં આ કાયદો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લાયકાત વગર પ્રેક્ટિસ કરતા તત્વો પર નિયંત્રણ લાવવાનો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં અંદાજે 41,000 જેટલા કામચલાઉ (પ્રોવિઝનલ) અને 2,000 જેટલા કાયમી રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ચૂક્યા છે.


 વારંવાર કાયદામાં સુધારા ન કરવા પડે તે માટે કલમ-9 અને કલમ-18માં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે રજિસ્ટ્રેશનની મુદત સરકાર જાહેરનામા દ્વારા ગમે ત્યારે નક્કી કરી શકશે, જેનાથી 12 સપ્ટેમ્બર 2026 પછી પણ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રાખી શકાશે.


નવા કાયદા હેઠળ નિયમભંગ કરનાર હોસ્પિટલો કે ચિકિત્સા સંસ્થાઓ સામે કડક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈ સંસ્થા નિયમોનું પાલન કરવામાં ચૂક કરશે, તો તેમને રૂ. 10 હજારથી લઈને રૂ. 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. ગંભીર બેદરકારીના કિસ્સામાં તંત્ર પાસે જે-તે સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવાની સત્તા પણ રહેશે. 


આ સુધારાનો અંતિમ ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને તબીબી છેતરપિંડીથી બચાવવાનો અને તેમને લાયકાત ધરાવતા ડોક્ટરો પાસે જ સુરક્ષિત સારવાર મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

Advertisement