ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. આજે શુક્રવાર સાંજે 6 વાગ્યાથી તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના 48 કલાક પહેલા જાહેરસભાઓ, રેલીઓ અને લાઉડસ્પીકર દ્વારા થતા પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે. આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે બાકીની 9,274 બેઠકો પર રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બેઠકો માટે કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાગ્યનો ફેંસલો રવિવારે મતદારો કરશે.
ગરમીનો પારો અને ઓછું મતદાન થવાની ભીતિ
આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર કાળઝાળ ગરમી સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 26 એપ્રિલ એટલે કે મતદાનના દિવસે હીટવેવના કારણે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. પ્રચાર દરમિયાન પણ આકરી ગરમીના કારણે મતદારોનો પ્રતિસાદ અપેક્ષા મુજબ ઓછો જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષોમાં અત્યારે એક જ ચિંતા સતાવી રહી છે કે ગરમીને કારણે મતદાનની ટકાવારી 60 ટકાથી નીચે જઈ શકે છે. જો મતદાન ઓછું થશે, તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે, જેના કારણે રાજકીય પક્ષોના ગણિતો પણ બદલાઈ શકે તેમ છે.
હવે શરૂ થશે 'ખાટલા પરિષદ' અને ગુપ્ત વ્યૂહરચના
આજે સાંજથી જાહેર પ્રચાર બંધ થતા જ ઉમેદવારો અને તેમના સમર્થકો 'ડોર-ટુ-ડોર' પ્રચાર અને ખાટલા પરિષદો પર ભાર મૂકશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના સમયે યોજાનારી ખાટલા પરિષદોમાં મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. આદર્શ આચારસંહિતાના પાલન સાથે હવે ઉમેદવારો બંધ બારણે જનમત પોતાની તરફેણમાં કરવા માટેના અંતિમ પ્રયાસો કરશે. રવિવારે યોજાનારા આ રસાકસીભર્યા જંગમાં મતદારો ગરમીને મ્હાત આપીને બહાર નીકળે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.