ગુજરાત એસટી નિગમ હાલમાં ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રોજિંદા 25-27 લાખ મુસાફરોની અવરજવર હોવા છતાં નિગમની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને કુલ ખોટનો આંકડો 4,495 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ખાનગી ટ્રાવેલ્સ અને વાહનો સાથેની કડક હરિફાઈ વચ્ચે એસટી નિગમ હાંફતું જોવા મળી રહ્યું છે.
નિગમની આવક વધારવા માટે નવી બસો, આધુનિક બસ સ્ટેશનો અને ઓનલાઈન ટિકિટિંગ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, છતાં ખોટ યથાવત્ છે. લોન, કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પાછળ થતો મોટો ખર્ચ નિગમ પર ભારે પડી રહ્યો છે. ઉપરાંત કેટલાક રૂટ પર મુસાફરોની ઘટ પણ આર્થિક નુકસાનનું મુખ્ય કારણ બની છે.
એસટી નિગમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બસો માટે હજારો કરોડની લોન લીધી છે, જ્યારે અકસ્માત સંબંધિત દાવાઓના કારણે પણ વધારાનો આર્થિક બોજ ઉભો થયો છે. ડિઝલના ભાવવધારા વચ્ચે ભાડું વધારવા છતાં નિગમની ખોટ ઘટાડવી મુશ્કેલ બની રહી છે અને હાલની પરિસ્થિતિ યથાવત્ રહી તો નુકસાનમાં વધુ વધારો થવાની શક્યતા છે.