અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાનો અને મતદાન કરવાનો મૂળભૂત અધિકાર છે. માત્ર ટેકનિકલ કારણો કે વહીવટી પ્રક્રિયાના બહાને કોઈ પણ રહેવાસીને તેના મતાધિકારથી વંચિત રાખી શકાય નહીં. જસ્ટિસ એન.એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે એક પુરુષ મતદારનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને કડક આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, એક જાગૃત નાગરિકે પોતાનું રહેઠાણ બદલ્યું હોવાને કારણે તેમનું નામ અગાઉની મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ, અરજદારે નિયમો મુજબ નામ ફરીથી નોંધાવવા અરજી કરી હતી, જેનો સંબંધિત અધિકારીએ ૩ માર્ચ ૨૦૨૬ના રોજ સ્વીકાર પણ કર્યો હતો. તેમ છતાં, તંત્રની ટેકનિકલ ભૂલને કારણે તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું નહોતું, જેનાથી કંટાળીને અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
રાજ્ય ચૂંટણી પંચે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, પ્રારંભિક મતદાર યાદી તૈયાર કરવાનો આધાર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રકાશિત કરાયેલી યાદી હતી. પંચના મતે ૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલી યાદી બાદ ફેરફાર કરવો ટેકનિકલ રીતે મુશ્કેલ હતો. જોકે, હાઈકોર્ટે આ દલીલોને ફગાવી દેતા જણાવ્યું કે, એકવાર જ્યારે સત્તાવાર રીતે અરજદારનું નામ સામેલ કરવાની અરજી સ્વીકારાઈ હોય, ત્યારે પ્રારંભિક યાદીના પ્રકાશનની તારીખો ગૌણ બની જાય છે.
હાઈકોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, લોકશાહીની મજબૂતી માટે દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે. રાજ્ય ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સ્થાનિક સ્વરાજ્યના દરેક પાત્ર રહેવાસીનું નામ યાદીમાં હોય. કોર્ટે અરજદારની રિટ અરજી મંજૂર રાખીને ચૂંટણી અધિકારીને આદેશ આપ્યો છે કે, આગામી ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ જે નવી મતદાર યાદી પ્રકાશિત થવાની છે, તેમાં અરજદારનું નામ અનિવાર્યપણે સામેલ કરવામાં આવે.