આણંદ:ગુજરાત હાઈકોર્ટે અકસ્માત વળતર સંબંધિત કેસોમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપતા “પરિવાર”ની વ્યાખ્યાને વિસ્તારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફેટલ એક્સિડન્ટ એક્ટ, 1855 હેઠળ હવે મૃતકના ભાઈઓ અને બહેનોને પણ પરિવારનો ભાગ ગણવામાં આવશે, અને તેઓ પણ વળતર મેળવવા માટે હકદાર રહેશે. આ ચુકાદો ન્યાય અને સમાનતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
આ કેસ લગભગ ત્રણ દાયકા જૂની દુખદ ઘટના સાથે જોડાયેલો છે. જેમાં શયન પુરોહિત નામના એક અપરિણીત યુવાનનું અકસ્માતે મોત થયું હતું. માહિતી અનુસાર, શયન તેના મિત્ર પાસેથી સ્કૂટરની ચાવી લેવા અગાશી પર ગયો હતો ત્યારે અચાનક ભારે વીજળીનો ફ્લેશ થયો હતો.
અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની (AEC) અને ગુજરાત એનર્જી બોર્ડ (GEB)ની બેદરકારીના કારણે શયનને ભારે વીજ કરંટ લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
35 વર્ષ સુધી ચાલી કાનૂની લડાઈ
પુત્રના મૃત્યુ બાદ શયનની માતાએ ફેટલ એક્સિડન્ટ એક્ટ હેઠળ વળતર મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો. જોકે આ કેસની કાનૂની લડાઈ લગભગ 35 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન શયનની માતાનું અવસાન થતા તેના ભાઈઓ અને બહેનોને કેસમાં કાયદેસરના પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા.
કંપનીઓએ કર્યો હતો વિરોધ
ટ્રાયલ કોર્ટે શરૂઆતમાં વળતર મંજૂર કર્યું હતું. પરંતુ AEC અને GEBએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમની દલીલ હતી કે 1855ના કાયદા મુજબ માત્ર માતા-પિતા, પત્ની અને સંતાનોને જ “ડિપેન્ડન્ટ” ગણવામાં આવે છે, તેથી ભાઈ-બહેનોને વળતર મળવાનો અધિકાર નથી.
હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
ભાઈ-બહેનો તરફથી એડવોકેટ સચિન વસાવડાએ કોર્ટમાં દલીલ કરી કે કલ્યાણકારી કાયદાઓનું અર્થઘટન તેના સામાજિક હેતુને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.
હાઈકોર્ટે આ દલીલો સાથે સહમતી દર્શાવી અને AEC તથા GEB દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફેટલ એક્સિડન્ટ એક્ટની જોગવાઈઓનું ઉદાર અર્થઘટન જરૂરી છે.
સાથે જ સિટી સિવિલ કોર્ટના અગાઉના આદેશને યથાવત રાખતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે મૃતકના ભાઈ-બહેનો તેમની માતા દ્વારા માંગવામાં આવેલા વળતરના કાયદેસર હકદાર છે.
કાયદાકીય રીતે મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો ભારતીય ટોર્ટ કાયદા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. આ નિર્ણય 19મી સદીના કાયદાના કડક અર્થઘટનથી આગળ વધીને કૌટુંબિક નિર્ભરતાની વધુ માનવીય અને આધુનિક સમજણ રજૂ કરે છે.