ગુજરાતના ગોધરા ટ્રેન કાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 7 દોષિતોને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. રાજ્ય સરકાર સમક્ષ તેમની સજા માફી અને વહેલી મુક્તિ અંગેની અરજીઓ હજુ વિચારણા હેઠળ હોવાથી હાઈકોર્ટે તેમની પેરોલની મુદત 10 ડિસેમ્બર સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે.
દોષિતોએ અગાઉ ચાર મહિના માટે મેળવેલી પેરોલની મુદત પૂર્ણ થવા આવી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેમની સજા માફીની અરજીઓ પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. આથી તેમણે પેરોલ લંબાવવા માટે ફરી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
28 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ટ્રેન અયોધ્યાથી પરત ફરી રહી હતી. આ દુર્ઘટનામાં 59 મુસાફરોના મોત થયા હતા. આ કેસમાં કુલ 31 દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આ પૈકી સાત દોષિતો મહેબૂબ પોપા, મહેબૂબ લતીફો, જાબીર બિન્યામીન બેહરા, રમજાની બિન્યામીન બેહરા, શોકત બીબીનો, સિરાજ મેડા અને અનવર મેડાએ પોતાની પેરોલની મુદત વધારવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
સજા માફીની અરજીઓ પેન્ડિંગ હોવાથી અગાઉ પણ મળી હતી પેરોલ
આ સાત દોષિતોની વહેલી મુક્તિ માટેની સજા માફીની અરજીઓ રાજ્ય સરકાર સમક્ષ ફરીથી રજૂ કરવામાં આવી હતી. અગાઉ તેમની સજા માફીની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જોકે, લગભગ એક વર્ષ બાદ તેમણે ફરીથી વહેલી મુક્તિ માટે વિનંતી કરી હતી.
આ અરજીઓ પર નિર્ણય લેવા માટે હાઈકોર્ટે રાજ્ય સરકારને શક્ય તેટલી વહેલી તકે અને પ્રાથમિકતા સાથે ચાર મહિનાની અંદર પુનર્વિચાર કરવાની સૂચના આપી હતી.
અગાઉના આદેશમાં કોર્ટે દોષિતોને ચાર મહિના માટે અથવા રાજ્ય સરકાર દ્વારા સજા માફી અંગે નવો નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી, બેમાંથી જે સમયગાળો વહેલો પૂર્ણ થાય તે મુજબ પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
એક દોષિતે 22 વર્ષ અને 11 મહિના જેલમાં વિતાવ્યા
આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એક દોષિત મહેબૂબ પોપાની અરજીનો ઉલ્લેખ કરતાં નોંધ્યું હતું કે તેમણે અત્યાર સુધી 22 વર્ષ અને 11 મહિનાનો જેલવાસ ભોગવ્યો છે.
લાંબા સમયથી જેલમાં રહેલા દોષિતની સજા માફી અંગેની અરજી વિચારણા હેઠળ હોવાને ધ્યાનમાં રાખીને કોર્ટે અગાઉ ચાર મહિનાની પેરોલ મંજૂર કરી હતી. આ મુક્તિ સામાન્ય નિયમો અને શરતોને આધીન રાખવામાં આવી હતી.
સરકારી વકીલે પેરોલ લંબાવવાનો કર્યો હતો વિરોધ
ચાર મહિનાની મુદત પૂર્ણ થવા છતાં રાજ્ય સરકાર તરફથી સજા માફીની અરજીઓ પર નિર્ણય ન લેવાતાં દોષિતોએ ફરી પેરોલ લંબાવવાની માંગ કરી હતી.
સુનાવણી દરમિયાન સરકારી વકીલે પેરોલ લંબાવવાની અરજીનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોની સજા માફીની અરજીઓ હજુ વિચારણા હેઠળ છે.
આ દરમિયાન હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એક તરફ સજા માફીની અરજીઓ પર નિર્ણય લેતી નથી અને બીજી તરફ દોષિતોને પેરોલ પણ આપતી નથી, એવી સ્થિતિ એકસાથે ચાલુ રહી શકે નહીં.
કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર દ્વારા અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો હોય તો તેનો ભોગ દોષિતોએ બનવું ન જોઈએ.
હવે 10 ડિસેમ્બરે થશે વધુ સુનાવણી
ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. ત્યાં સુધી અગાઉ મંજૂર કરવામાં આવેલી પેરોલની મુદત લંબાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવે રાજ્ય સરકાર સજા માફીની અરજીઓ પર શું નિર્ણય લે છે અને આગામી સુનાવણીમાં કોર્ટ સમક્ષ શું સ્થિતિ રજૂ થાય છે તેના પર સૌની નજર રહેશે.