ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે એક મોટી સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના મહત્વાકાંક્ષી માનવ અંતરિક્ષ મિશન ‘ગગનયાન’ની પ્રથમ માનવરહિત ઉડાનની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ડિસેમ્બર 2026ના અંતમાં અથવા જાન્યુઆરી 2027ની શરૂઆતમાં લોન્ચ કરવાની યોજના છે.
આ મિશન હેઠળ શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી રોકેટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. પ્રથમ ઉડાનમાં ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલને અંતરિક્ષમાં મોકલીને વિવિધ સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવામાં આવશે. ખાસ કરીને અંતરિક્ષમાં ગયા બાદ ક્રૂ મોડ્યુલ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી શકે છે કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવશે.
પ્રથમ ઉડાનમાં વ્યોમમિત્ર નહીં, બીજી ઉડાનમાં થશે સામેલ
ગગનયાનની પ્રથમ માનવરહિત ઉડાનમાં હ્યુમનોઇડ રોબોટ ‘વ્યોમમિત્ર’ને મોકલવામાં આવશે નહીં. આ રોબોટને આગામી ઉડાનમાં સામેલ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં અવકાશયાનની વિવિધ સુરક્ષા અને નિયંત્રણ પ્રણાલીઓની તપાસ કરવામાં આવશે.
ISROની યોજના મુજબ શરૂઆતની માનવરહિત ઉડાનો સફળ થયા બાદ માનવસહિત મિશન તરફ આગળ વધવામાં આવશે. ત્રીજી ઉડાનમાં માર્ચ 2028 સુધીમાં ભારતીય અંતરિક્ષયાત્રીઓને અવકાશમાં મોકલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ મિશન સફળ થતાં ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ પોતાના અંતરિક્ષયાત્રીઓને સ્વદેશી અંતરિક્ષયાન દ્વારા અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની શકે છે.
ગગનયાન માટે ખાસ તૈયાર કરાયું હ્યુમન-રેટેડ રોકેટ
ગગનયાન મિશન માટે ISRO દ્વારા હ્યુમન-રેટેડ LVM3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોકેટ ચંદ્રયાન-3 મિશનમાં ઉપયોગમાં લેવાયેલા LVM3નું વધુ સુરક્ષિત અને અપગ્રેડેડ સ્વરૂપ છે.
માનવ અંતરિક્ષ મિશન હોવાથી રોકેટની વિશ્વસનીયતા, સુરક્ષા અને દરેક તબક્કાની કામગીરીનું વિશેષ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં સમગ્ર મોડ્યુલનું થર્મો-વેક પરીક્ષણ ચાલી રહ્યું છે. આ પરીક્ષણમાં અંતરિક્ષ જેવી નિર્વાત પરિસ્થિતિ અને તાપમાનમાં ફેરફાર વચ્ચે ઉપકરણો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ થાય છે.
ક્રૂ અને સર્વિસ મોડ્યુલને અલગ કરવાની સિસ્ટમનું પરીક્ષણ સફળ
ગગનયાન મિશનમાં ક્રૂ મોડ્યુલ (CM) અને સર્વિસ મોડ્યુલ (SM) બે મહત્ત્વપૂર્ણ ભાગ છે. ક્રૂ મોડ્યુલમાં અંતરિક્ષયાત્રીઓ બેસશે અને તે જ પૃથ્વી પર પરત ફરશે. જ્યારે સર્વિસ મોડ્યુલ અંતરિક્ષમાં જરૂરી વીજળી, સંચાર અને અન્ય સેવાઓ પૂરી પાડશે.
ISROએ બંને મોડ્યુલોને અલગ કરવાની સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ પરીક્ષણ 16 ઑક્ટોબરે તિરુવનંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)માં કરવામાં આવ્યું હતું.
મોડ્યુલ અલગ કરવું કેમ જરૂરી છે?
અંતરિક્ષયાન પૃથ્વી પર પરત ફરતી વખતે ક્રૂ મોડ્યુલને સર્વિસ મોડ્યુલથી અલગ કરવું જરૂરી છે. ત્યારબાદ ક્રૂ મોડ્યુલ પોતાની હીટ શીલ્ડની મદદથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે.
આ પ્રક્રિયા દરમિયાન બંને મોડ્યુલ વચ્ચેના વીજળી, સંચાર અને જીવન આધાર પ્રણાલી સાથે જોડાયેલા અંબિલિકલ કનેક્શન પણ યોગ્ય રીતે અલગ થવા જોઈએ.
પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ દરમિયાન હીટ શીલ્ડ કરશે રક્ષણ
અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ પરત ફરતી વખતે ક્રૂ મોડ્યુલને અત્યંત ઊંચા તાપમાનનો સામનો કરવો પડે છે. આ દરમિયાન અંતરિક્ષયાત્રીઓની સુરક્ષા માટે ખાસ હીટ શીલ્ડ અને થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
તાજેતરના પરીક્ષણોમાં આ સિસ્ટમ સાથે જોડાયેલા ભાગોની આંચકા સહન કરવાની ક્ષમતા પણ ચકાસવામાં આવી છે.
પેરાશૂટથી સમુદ્રમાં સુરક્ષિત લેન્ડિંગ કરાશે
ગગનયાન મિશનનું લક્ષ્ય માત્ર અંતરિક્ષયાત્રીઓને અવકાશમાં પહોંચાડવાનું નથી, પરંતુ તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનું પણ છે.
આ માટે ક્રૂ મોડ્યુલમાં ખાસ પેરાશૂટ સિસ્ટમ લગાવવામાં આવી છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યા બાદ પેરાશૂટ મોડ્યુલની ઝડપ ઘટાડશે, જેથી તે સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતરી શકે.
જુલાઈ 2026માં ISROએ ક્રૂ મોડ્યુલની પેરાશૂટ અને અન્ય સુરક્ષા પ્રણાલીઓ સંબંધિત પરીક્ષણોની માહિતી આપી હતી. સમુદ્રમાં ઉતર્યા બાદ મોડ્યુલ યોગ્ય સ્થિતિમાં રહે તે માટે ફ્લોટેશન અને અપ-રાઇટિંગ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે.
કટોકટીમાં અંતરિક્ષયાત્રીઓનો જીવ બચાવશે ક્રૂ એસ્કેપ સિસ્ટમ
ગગનયાનમાં અંતરિક્ષયાત્રીઓની સુરક્ષા માટે ક્રૂ એસ્કેપ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. જો રોકેટની ઉડાન દરમિયાન કોઈ ગંભીર ટેકનિકલ સમસ્યા સર્જાય તો આ સિસ્ટમ અંતરિક્ષયાત્રીઓ ધરાવતા ક્રૂ મોડ્યુલને રોકેટથી અલગ કરીને સુરક્ષિત અંતરે લઈ જઈ શકે છે.
ઑક્ટોબર 2023માં ISROએ TV-D1 ટેસ્ટ ફ્લાઇટ દ્વારા આ સિસ્ટમની કામગીરીનું સફળ પરીક્ષણ કર્યું હતું. માનવસહિત અંતરિક્ષ મિશન માટે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા છે.
ગગનયાન મિશન માટે ચાર પાઇલટ્સની પસંદગી
ગગનયાન મિશન માટે ભારતીય વાયુસેનાના ચાર પાઇલટ્સની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો પણ સમાવેશ થાય છે. તેઓ અગાઉ એક્સિયમ મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS)ની મુલાકાત લઈ ચૂક્યા છે.
ગગનયાનના માનવસહિત તબક્કામાં ત્રણ ભારતીય અંતરિક્ષયાત્રીઓને આશરે 400 કિલોમીટરની પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાની યોજના છે. તેઓ ત્યાં લગભગ ત્રણ દિવસ રહેશે અને ત્યારબાદ ક્રૂ મોડ્યુલ હિંદ મહાસાગરમાં ઉતરશે.
આ સમગ્ર મિશનનો અંદાજિત ખર્ચ આશરે ₹20,193 કરોડ છે.
ગગનયાનથી ભારતના અંતરિક્ષ ક્ષેત્રને મળશે નવી ઓળખ
ગગનયાન ભારત માટે માત્ર એક અંતરિક્ષ મિશન નથી, પરંતુ સ્વદેશી ટેકનોલોજી અને માનવ અંતરિક્ષ ઉડાનની ક્ષમતા સાબિત કરવાની મોટી તક છે. આ મિશન દ્વારા ભારત અંતરિક્ષયાત્રીઓને પોતાની ટેકનોલોજીથી અવકાશમાં મોકલવા અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાની ક્ષમતા વિકસાવશે.
પ્રથમ માનવરહિત ઉડાનથી લઈને અંતિમ માનવસહિત મિશન સુધીના દરેક તબક્કાની સફળતા ભારતને વૈશ્વિક અંતરિક્ષ ક્ષેત્રમાં નવી ઓળખ અપાવી શકે છે.