ગંભીરા બ્રિજ તૈયાર છે... હવે માત્ર ઉદ્ઘાટનની રાહ!
પરંતુ આ વખતે સરકારે ઉતાવળ નહીં, સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી છે.
આંકલાવ તાલુકાના ગંભીરા બ્રિજનું સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં નવો બ્રિજ તૈયાર થતાં તેને ટૂંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના હતી.
પરંતુ ભૂતકાળમાં બ્રિજ તૂટવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે નવા બનેલા બ્રિજની મજબૂતી અને સુરક્ષાની સંપૂર્ણ ચકાસણી કરવા ખાસ સૂચના આપી હતી. જેના ભાગરૂપે ગંભીરા બ્રિજ પર વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
બ્રિજના તમામ 23 સ્પાન પર પ્રત્યેક 280 ટન વજન આપીને તેની ક્ષમતા ચકાસવામાં આવી છે.
આ ઉપરાંત બ્રિજ પર વધુ ત્રણ મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
પહેલો છે પુલ આઉટ ટેસ્ટ.
જેમાં કોંક્રિટની વાસ્તવિક મજબૂતી તેમજ કોંક્રિટ સાથે સ્ટીલના સળિયા અને એન્કર બોલ્ટ કેટલી મજબૂત પકડ ધરાવે છે તેની ચકાસણી કરવામાં આવી.
બીજો છે વાઇબ્રેશન મોનિટરિંગ ટેસ્ટ.
બ્રિજ પર ખાસ સેન્સર્સ લગાવી વાહનોની અવરજવર અને નિયંત્રિત વજન દરમિયાન બ્રિજમાં થતાં કંપનનું સચોટ માપન કરાયું.
અને ત્રીજો છે ફિઝિકલ ટેસ્ટ.
માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કન્સલ્ટન્ટની ટીમે બ્રિજના તમામ મહત્વના ભાગોનું પ્રત્યક્ષ નિરીક્ષણ અને માપણી કરી.
એટલું જ નહીં... મહીસાગર નદીમાં પિલર ઊભા કરતા પહેલાં પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ મૂકવામાં આવી છે. જે નદીના પાણીના સીધા પ્રહાર, વહેતા પથ્થરોના ઘસારાથી અને રાસાયણિક અસરોથી બ્રિજના પાયાને રક્ષણ આપશે.
હવે તમામ સુરક્ષાત્મક ટેસ્ટિંગ અને ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા તંત્ર દ્વારા પણ અન્ય વિકાસકામો સાથે ગંભીરા બ્રિજના લોકાર્પણ માટે મંજૂરી માગવામાં આવી છે.
એટલે હવે આગામી 10 દિવસમાં ગંભીરા બ્રિજનું લોકાર્પણ થાય તેવી પ્રબળ શક્યતા છે.
એક વર્ષમાં બ્રિજ તૈયાર થયો...
પણ ખુલ્લો મૂકતા પહેલાં તેની મજબૂતીની સંપૂર્ણ ખાતરી કરવામાં આવી — કારણ કે આ વખતે વિકાસ સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વની છે.