ધંધુકા: અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ૨૧મી એપ્રિલના રોજ વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત ૧૮મી એપ્રિલના રોજ ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ સમગ્ર પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ઓપરેશન શરૂ કરી ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા છે અને આગામી દિવસોમાં હાઇવે પર આવેલા અન્ય દબાણો પર પણ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ૩૦૦ જેટલા પોલીસ જવાનો અને નગરપાલિકા સહિત આરએનબી વિભાગના ૫૦થી વધુ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. બીજી તરફ, મુખ્ય આરોપી રિઝવાન અને સમીરને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી કોર્ટ પરિસરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી બે દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે, જેમાં હત્યા પાછળના મુખ્ય ષડયંત્રના વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે.