ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે ₹1.25 કરોડની છેતરપિંડીનો આરોપ, MP સ્વામી અને DP સ્વામી સહિત 5 સામે ગુનો નોંધાયો

ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે ₹1.25 કરોડની છેતરપિંડીનો આરોપ, MP સ્વામી અને DP સ્વામી સહિત 5 સામે ગુનો નોંધાયો

ગુજરાતમાં ફરી એકવાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો વિવાદમાં આવ્યા છે. ડાકોરમાં 300થી 400 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદીના સોદામાં ₹1.25 કરોડની છેતરપિંડી થયાનો આરોપ લાગ્યો છે. આ મામલે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખામાં એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામી સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરનો વર્ષ 2020માં ચિંતન પરમાર સાથે સંપર્ક થયો હતો. ચિંતને તેમને ડાકોરમાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે મોટા જમીન પ્રોજેક્ટની માહિતી આપી હતી અને તેમાં રોકાણ કરવાથી સારું વળતર તથા કમિશન મળવાની લાલચ આપી હતી.

ત્યારબાદ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તેમની મુલાકાત માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, દર્શનપ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી અને લાલજી ઢોલા સાથે કરાવવામાં આવી હતી. સંતો દ્વારા ડાકોરના સૂઈ અને સૈયત ગામની સીમમાં આશરે 300થી 400 વીઘા જમીન પર મંદિર અને ગૌશાળા બનાવવાની યોજના હોવાનું જણાવાયું હતું. આ પ્રોજેક્ટ માટે આફ્રિકાથી મોટું દાન મળવાનું હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.

ફરિયાદીનો આરોપ છે કે, જમીન પોતાના નામે ખરીદી કરાવી સાટાખત તૈયાર કરાવવામાં આવે તો જમીનના સોદામાં વધારાનું કમિશન અને સારું વળતર આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ માટે ડાકોરના જમીન માલિક જેકીકુમાર રામી સાથે મુલાકાત પણ કરાવવામાં આવી હતી.

જમીનના સોદા દરમિયાન કુલ 354 વીઘા જમીનનો ભાવ આશરે ₹2.76 કરોડ નક્કી થયો હતો. 8 જૂન, 2020ના રોજ ફરિયાદી અને તેમના પરિવારજનો તથા ભાગીદારની હાજરીમાં જમીન ખરીદી પેટે ₹1.24 કરોડ રોકડા જેકી રામીને આપવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ વ્યવહારનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ત્યારબાદ ₹300ના સ્ટેમ્પ પેપર પર જમીન વેચાણ અંગેનું સમજૂતી લખાણ એટલે કે સાટાખત તૈયાર કરવામાં આવ્યું હતું.

ફરિયાદ મુજબ, જમીનના અસલ દસ્તાવેજો અને સાટાખત બાદમાં એમ.પી. સ્વામીને સોંપવામાં આવ્યા હતા. આફ્રિકાથી દાન મળ્યા બાદ 10 દિવસમાં રોકાણ કરેલી રકમ, જમીનના બાકીના નાણાં અને વધારાનું કમિશન પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, બાદમાં આફ્રિકાથી દાન આવવામાં વિલંબ થતો હોવાનું અને FCRA સર્ટિફિકેટ મેળવવાનું બાકી હોવાનું કહી સમય પસાર કરવામાં આવ્યો હતો.

થોડા સમય બાદ દાન આપનાર વ્યક્તિએ દાન આપ્યું ન હોવાનું કહી એમ.પી. સ્વામીએ જમીનનો સોદો આગળ વધારવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે. સાથે જ ફરિયાદીને પોતાના નાણાં જમીન માલિક જેકી રામી પાસેથી પરત મેળવવા જણાવાયું હતું. જોકે, જેકી રામીએ જમીન ખરીદીના બાકીના નાણાં સમયસર ન મળ્યા હોવાનું કહી રોકડ રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલે ફેબ્રુઆરી 2023માં ડાકોર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની હાજરીમાં થયેલી બેઠકમાં ₹1.25 કરોડની રકમ સામે એટલી કિંમતની જમીન ટાઇટલ ક્લિયર કરીને રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાની સમજૂતી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમ છતાં આજદિન સુધી જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નથી કે રોકાણ કરેલી રકમ પરત કરવામાં આવી નથી.

આખરે ફરિયાદીના આક્ષેપોને આધારે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ અમદાવાદના ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઈ રામી સામે છેતરપિંડી સહિતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.