આણંદ: રાજ્યમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચરોતરના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. છેલ્લા ૨૦ દિવસમાં બીજી વખત કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આણંદ, બોરસદ, સોજિત્રા અને આંકલાવ પંથકમાં ૩૦ કિમીની ઝડપે ફૂંકાયેલા તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા. આણંદ શહેરમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
ખેડા જિલ્લામાં પણ કુદરતી આફતનો માહોલ જોવા મળ્યો હતો. નડિયાદ શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ સાંજે ૫:૩૦ વાગ્યે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદી ઝાપટાં પડ્યા હતા. માતર તાલુકાના ભલાડા, સાયલા અને શેખુપુર જેવા ગ્રામીણ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતા ઉનાળુ પાકને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. યાત્રાધામ ડાકોરમાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ હળવો વરસાદ રહી શકે છે. આ મિશ્ર ઋતુને કારણે ખેતીવાડીમાં ઉનાળુ પાક અને ફળાદીને માઠી અસર પહોંચવાની શક્યતા છે, સાથે જ વાતાવરણમાં આવેલા પલટાને કારણે રોગચાળો વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અણધાર્યા માવઠાને લીધે ચરોતરના ખેડૂતો પોતાની મહેનત પર પાણી ફરી વળવાના ડરથી ભારે ચિંતામાં મુકાયા છે.