છ વર્ષ... એટલે કે લગભગ બે હજારથી વધુ દિવસોની રાહ... અને આખરે ઉમરેઠ પોલીસની મહેનત રંગ લાવી!
ઉમરેઠ તાલુકાના પરવટા ગામમાંથી વર્ષ 2020માં ગુમ થયેલા 38 વર્ષીય પ્રવિણભાઈ રમેશભાઈ રાઠોડને ઉમરેઠ પોલીસે શોધી કાઢીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
મળતી માહિતી મુજબ, પ્રવિણભાઈ 6 જુલાઈ, 2020ના રોજ સવારે કડીયાકામ કરવા માટે ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ગયા હતા. પરંતુ સાંજ સુધી તેઓ ઘરે પરત ફર્યા નહોતા.
પરિવારજનોએ તેમની આસપાસના વિસ્તારો સહિત અનેક જગ્યાએ શોધખોળ કરી, પરંતુ પ્રવિણભાઈનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે પરિવાર દ્વારા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી.
સમય પસાર થતો ગયો... દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા... પરંતુ પરિવારની પ્રવિણભાઈને ફરી મળવાની આશા જીવંત રહી.
આ દરમિયાન ઉમરેઠ પોલીસે પણ તપાસ ચાલુ રાખી હતી. ટેકનિકલ તપાસ અને માનવ સંસાધનની મદદથી પોલીસ ટીમે આખરે છ વર્ષથી ગુમ પ્રવિણભાઈ રાઠોડને શોધી કાઢવામાં સફળતા મેળવી.
અને ત્યારબાદ આવ્યો એ ક્ષણ... જેની પરિવાર છેલ્લા છ વર્ષથી રાહ જોઈ રહ્યો હતો!
પોલીસે પ્રવિણભાઈને તેમના પરિવારજનો સાથે મિલન કરાવતાં પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. છ વર્ષ બાદ પોતાના સ્વજનને સામે જોઈ પરિવારજનો ભાવુક બની ગયા હતા.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણી અને ઉમરેઠ વિભાગના પોલીસ અધિકારી જયેશ ડી. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પોલીસની ટીમે આ સરાહનીય કામગીરી કરી છે.
છ વર્ષ જૂનો ગુમ વ્યક્તિનો કેસ... અને અંતે પરિવાર માટે સુખદ મિલન!