ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, બીમાર ભાઈને મળવા 3 દિવસના હંગામી જામીન

ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, બીમાર ભાઈને મળવા 3 દિવસના હંગામી જામીન

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. બીમાર ભાઈને મળવા માટે સુપ્રીમ કોર્ટે તેમને ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં સાત દિવસના જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે માત્ર એક દિવસના જામીન મંજૂર કર્યા હતા. આ નિર્ણયને પડકારવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસના હંગામી જામીન આપ્યા છે.

એડવોકેટ પુનીત જૂનેજાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને ત્રણ દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન ચૈતર વસાવા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

ચૈતર વસાવાના 35 વર્ષીય નાના ભાઈ શાંતિલાલ વસાવાએ 12 ઓક્ટોબર, 2026ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ હોવાની વાત સામે આવી હતી.

ભાઈની આ સ્થિતિને પગલે ચૈતર વસાવાએ તેમને મળવા માટે કોર્ટમાં હંગામી જામીનની માગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેઓ ત્રણ દિવસ માટે પોતાના ભાઈને મળી શકશે.

કયા કેસમાં જેલમાં બંધ છે ચૈતર વસાવા?

ચૈતર વસાવા વનવિભાગના કર્મચારીઓ સાથે થયેલી મારામારી, ફાયરિંગ અને નાણાંની માગણીના કેસમાં દોષિત ઠર્યા બાદ જેલમાં બંધ છે.

આ કેસની શરૂઆત 30 ઓક્ટોબર, 2023ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના બોગજ ગામથી થઈ હતી. અહીં વનવિભાગની જમીન પર કેટલાક ખેડૂતો ખેતી કરતા હતા. વનવિભાગની ટીમે કાર્યવાહી કરીને પાક દૂર કર્યો અને જમીન પરનાં દબાણો હટાવ્યાં હતાં. ત્યારબાદ આ મામલે ખેડૂતો સામે ગુનો નોંધાયો હતો.

આ ઘટનાને લઈને ચૈતર વસાવાએ વનવિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ફરિયાદ મુજબ, ત્યાં થયેલી વાતચીત દરમિયાન વિવાદ વકર્યો હતો. ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલાબેન અને અન્ય લોકો પર વનવિભાગના કર્મચારીઓ સાથે મારામારી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદમાં ચૈતર વસાવા દ્વારા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ છે.

ફરિયાદમાં વનવિભાગના કર્મચારીઓ પાસેથી 60 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો આરોપ પણ હતો. ફરિયાદ મુજબ, બે વખત 30-30 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

કોર્ટે સંભળાવી હતી સાત વર્ષની સજા

આ કેસની સુનાવણી રાજપીપળા સેશન્સ કોર્ટમાં ચાલી હતી. કેસ દરમિયાન 17 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.વી. હીરપરાએ ચૈતર વસાવા સહિત નવ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તમામને સાત વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ ચુકાદા બાદ ચૈતર વસાવાને 23 જૂન, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અગાઉ સપ્ટેમ્બર, 2026માં વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટે તેમને સાત દિવસના જામીન મંજૂર કર્યા હતા.

હવે બીમાર ભાઈને મળવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવતાં ચૈતર વસાવાને વધુ એક વખત રાહત મળી છે.