Advertisement

ભૂસાની આડમાં દારૂની હેરાફેરી! LCBની મોટી કાર્યવાહી

ભૂસાની આડમાં દારૂની હેરાફેરી! LCBની મોટી કાર્યવાહી

ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરફેર સામે પોલીસ સક્રિય બની છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી જિલ્લા LCBએ મોટી કાર્યવાહી કરીને મહારાષ્ટ્રથી લાવવામાં આવતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક કન્ટેનરને રોકી તપાસ કરતા તેમાં ઘોડાના ઘાસના ભૂસાંની બેગોની આડમાં દારૂ છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. કુલ 6,300 બોટલ ભરેલી 525 પેટીઓ મળી આવી હતી, જેની કિંમત અંદાજે 54.58 લાખ રૂપિયા થાય છે, જ્યારે કન્ટેનર સહિત કુલ મુદ્દામાલ 64.33 લાખનો કબજે લેવામાં આવ્યો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાસિંગનું કન્ટેનર દારૂ લઈને ભરૂચ માર્ગે કરજણ તરફ આવી રહ્યું છે. જેના આધારે પોલીસે કરજણ તાલુકાના સાપા ગામ પાસે વોચ ગોઠવી અને કન્ટેનર રોકી તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં કન્ટેનરમાં ઘાસના ભૂસાંની બેગો દેખાતા શંકા ન લાગી, પરંતુ બેગો હટાવતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે ચૂંટણી સમયે ગુજરાતમાં સપ્લાય થવાનો હતો એવી શંકા વ્યક્ત થઈ રહી છે.


આ કેસમાં પોલીસે મહેશસિંહ જીલુભા સોલંકી અને ભરત પોપટ પરસોડ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં રહેતા જમીર હારુન હસન પટેલે આ કન્ટેનર મોકલ્યું હતું અને ભરૂચ ખાતે તેમને સોંપવામાં આવ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર રેકેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.


Advertisement