ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડને લઈને ચિંતા વધારી દે તેવી ઘટના સામે આવી છે.
નકલી દારૂ પીવાથી વધુ 2 લોકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. આ સાથે અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયાં છે.
મૃતકોમાં ઇન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનો પણ સમાવેશ થાય છે.
આ તરફ નકલી દારૂ પીધા બાદ તબિયત લથડતા અનેક લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં 8 અને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં 9 દર્દીઓ, એમ કુલ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
હાલમાં દાખલ તમામ દર્દીઓની સ્થિતિ નોર્મલ હોવાનું જણાવવામાં આવ્યું છે.
કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે કે, રવિવાર અને સોમવારે ડુપ્લિકેટ દારૂ પીનાર લોકોએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ચેકઅપ કરાવવું જરૂરી છે.
બીજી તરફ સમગ્ર મામલે સરકાર પણ એક્શનમાં આવી છે.
18 ઓગસ્ટની મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. બેઠકમાં રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, IBના વડા અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભાવનગરમાં નકલી દારૂના વેચાણ બાદ થયેલા મોત અને લોકોની તબિયત લથડવાના મામલે હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે.
સાથે જ SP મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે અને સમગ્ર મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
હવે સવાલ એ છે કે આ નકલી દારૂ ક્યાંથી આવ્યો? કોણે બનાવ્યો અને કોણે તેનું વેચાણ કર્યું?
આ સવાલોના જવાબ તપાસ બાદ જ સામે આવશે… પરંતુ હાલ સૌથી મોટી ચિંતા એ છે કે આ ઝેરી દારૂના સંપર્કમાં આવેલા અન્ય લોકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે?