ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલેએ સત્તાવાર નિવેદન આપીને નાગરિકોને આશ્વાસન આપ્યું છે. મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણની કોઈ પણ પ્રકારની તંગી નથી અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે પૂર્વવત્ ચાલુ છે.
ઈંધણની અછત અંગે ફેલાતી વાતોને પાયાવિહોણી અફવા ગણાવતા મંત્રીએ નાગરિકોને આવા ગેરમાર્ગે દોરતા સંદેશોથી સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઈંધણ પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે લોકો પેનિકમાં આવીને પંપો પર અનાવશ્યક ભીડ ન કરે અને જરૂર મુજબ જ ઈંધણ ભરાવે. આવા જવાબદાર વર્તનથી અફરાતફરી ટાળી શકાય છે અને પુરવઠાની વ્યવસ્થા સુચારૂ રીતે જાળવી શકાય છે.
સરકાર દ્વારા ફરી એકવાર ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં ઈંધણનો પુરવઠો નિયમિત અને પૂરતો છે, જેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.