આણંદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રારંભે જ આણંદના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના હોમ ગ્રાઉન્ડ ગણાતા આણંદ જિલ્લામાં જ કોંગ્રેસની રણનીતિના ધજાગરા ઉડ્યા છે. ચૂંટણીના મેદાનમાં લડાઈ શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના 39 જેટલા ઉમેદવારો મેદાન છોડીને 'પાણીમાં બેસી' ગયા છે.
ભાજપે ચૂંટણી પહેલા જ જીતનું ખાતું ખોલાવ્યું
કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અથવા બેસી જતાં ભાજપ માટે જીતનો માર્ગ મોકળો બન્યો છે. આણંદ જિલ્લા પંચાયતની ચિખોદરા બેઠક અને ઉમરેઠ તાલુકાની વણસોલ બેઠક સહિત અનેક જગ્યાએ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ગઢમાં જ ભાજપે ગાબડું પાડીને મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી છે.
આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
એક તરફ કોંગ્રેસના લંગડા ઘોડા જેવા ઉમેદવારોની પસંદગી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે, "અમારા ઉમેદવારોને પોલીસ અને સત્તાધારી પક્ષ દ્વારા ધાકધમકી આપીને દબાણ હેઠળ બેસાડી દેવામાં આવ્યા છે." જોકે, પ્રમુખ પોતાના જ ક્ષેત્રમાં ઉમેદવારોને સાચવી ન શકતા કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.