અમદાવાદની શાળામાં વિદ્યાર્થીને 6 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ, DEO દ્વારા તપાસ શરૂ

અમદાવાદની શાળામાં વિદ્યાર્થીને 6 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ, DEO દ્વારા તપાસ શરૂ

અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલયમાં ધોરણ 9ના વિદ્યાર્થીને વર્ગખંડમાં માર મારવાની ઘટનાને પગલે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીને એક પછી એક છ લાફા મારનાર શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે શાળા દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વર્ગખંડમાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ

મળતી માહિતી અનુસાર, ગત 14 ઓક્ટોબરના રોજ બપોરે ધોરણ 9નો વિદ્યાર્થી વર્ગખંડમાં પહેલી બેન્ચ પર બેઠો હતો. આ દરમિયાન શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીએ અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં તેને સતત છ લાફા માર્યા હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થી વર્ગખંડમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે તેને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ વિદ્યાર્થીને વર્ગખંડની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો.

શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચેલા વિદ્યાર્થીએ સમગ્ર ઘટનાની જાણ માતા-પિતાને કરી હતી. ત્યારબાદ વાલીએ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂઆત કરી હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો.

શાળાએ તપાસ કમિટી બનાવી, શિક્ષકને નોટિસ

વાલીની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે શેઠ સી.એન. વિદ્યાલય દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. શાળાએ શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને નોટિસ પાઠવીને આ મામલે ખુલાસો પણ માંગ્યો છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષકને સસ્પેન્ડ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

DEOના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી

બીજી તરફ, અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ શાળાને નોટિસ પાઠવી આચાર્ય પાસે ખુલાસો માંગ્યો હતો. આ ઉપરાંત, શિક્ષણ નિરીક્ષકને સ્થળ તપાસ કરીને સમગ્ર ઘટનાનો અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

શેઠ સી.એન. વિદ્યાલય દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. હવે શિક્ષણ નિરીક્ષકની તપાસ અને રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે તપાસના અંતે શિક્ષક સામે કયા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.