Advertisement

અમદાવાદમાં CNG મોંઘો થયો: શું હવે રિક્ષા ભાડામાં પણ થશે વધારો? જાણો લેટેસ્ટ રેટ

અમદાવાદમાં CNG મોંઘો થયો: શું હવે રિક્ષા ભાડામાં પણ થશે વધારો? જાણો લેટેસ્ટ રેટ

 અમદાવાદ: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા પર ફરી એકવાર આર્થિક બોજ વધ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 1.50નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે શહેરમાં CNGનો છૂટક ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. 1 એપ્રિલથી અનેક ચીજવસ્તુઓના ભાવ વધ્યા બાદ હવે ગેસમાં થયેલા આ વધારાથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે.


2026માં ત્રીજી વખત ફેરફાર: રાહત કરતાં આંચકો મોટો

વર્ષ 2026ની શરૂઆતમાં અદાણીએ ભાવમાં થોડો ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ ટૂંકા ગાળામાં સતત બે વાર ભાવ વધારી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ રૂ. 2.00નો વધારો થયો છે, જે જાન્યુઆરીમાં આપવામાં આવેલી રૂ. 1.21ની રાહત કરતા પણ ઘણો વધારે છે.


1 જાન્યુઆરી, 2026: રૂ. 1.21નો ઘટાડો (સામાન્ય રાહત)

7 ફેબ્રુઆરી, 2026: રૂ. 0.50નો વધારો

2 એપ્રિલ, 2026: રૂ. 1.50નો વધારો (તાજેતરનો આંચકો)


રિક્ષા અને ટેક્સી ભાડા વધવાની પ્રબળ શક્યતા

CNGના ભાવ વધારાની સીધી અસર પરિવહન ક્ષેત્ર પર પડશે. ખાસ કરીને રિક્ષા ચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થતા તેમની આવક પર કાતર ફરશે. જો રિક્ષા ચાલકો યુનિયન દ્વારા ભાડા વધારાની માંગણી કરશે, તો સામાન્ય નાગરિકોના ખિસ્સા વધુ હળવા થશે. આ ઉપરાંત, ટેક્સી અને કેબ ઓપરેટર્સ માટે પણ ઓપરેશનલ કોસ્ટ વધતા મુસાફરી મોંઘી બનવાના સંકેત મળી રહ્યા છે. ખાનગી વાહન લઈને ઓફિસ જનારા નોકરિયાત વર્ગ માટે પણ હવે મુસાફરી ખર્ચાળ બનશે.


ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં પણ ભડકાના એંધાણ

રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે હાલમાં વિધાનસભા ચૂંટણીઓનો માહોલ હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ CNGમાં થયેલો આ વધારો સૂચવે છે કે આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે, જે સામાન્ય જનતા માટે 'ભ પડ્યા પર પાટું' જેવી સ્થિતિ સર્જી શકે છે.

Advertisement