ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ લાગ્યા બાદ અમદાવાદમાં ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે.
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા દેડકી ગાર્ડન નજીક પે એન્ડ પાર્કિંગમાં વહેલી સવારે બે લક્ઝરી બસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બસમાંથી અંદાજે 408 કિલો લો-ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં આ જથ્થો રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે, નરોડા અને મણિનગર વિસ્તારના બે વ્યક્તિ આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા.
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા પ્રમાણે, આ પનીર કિલોદીઠ 240 રૂપિયાના ભાવે આપવામાં આવતું હતું. જ્યારે પેકિંગ પર તેની MRP આશરે 400થી 450 રૂપિયા પ્રતિ કિલો દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે...
શું આ ખરેખર પનીર છે કે પછી પ્રતિબંધિત એનાલોગ પનીર?
કારણ કે આ જથ્થાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજસ્થાનના જોધપુર અને પાલી ખાતે હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રાજસ્થાનથી આ જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો હોવાની શક્યતા છે.
હાલ ફૂડ વિભાગે સમગ્ર 408 કિલો જથ્થો સીઝ કરી દીધો છે અને તેના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
હવે લેબ રિપોર્ટમાં શું સામે આવે છે તેના પર સમગ્ર મામલો નિર્ભર છે.
જો પનીર એનાલોગ હોવાનું સાબિત થશે, તો મેન્યુફેક્ચરિંગ યુનિટથી લઈને જથ્થો લાવનાર અને ખરીદનાર સુધીના લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
એટલે હવે સવાલ માત્ર 408 કિલો પનીરનો નથી...
સવાલ એ છે કે પ્રતિબંધ બાદ પણ ગુજરાતમાં આ પ્રકારનો જથ્થો ક્યાંથી અને કોના માધ્યમથી આવી રહ્યો છે?