અમદાવાદ-વડોદરા હાઈવે પર કરોડોની ડ્રેનેજ બિસ્માર... સામરખા ચોકડી પાસે ખુલ્લો ખાડો બન્યો ‘મોતનો કૂવો’

અમદાવાદ-વડોદરા હાઈવે પર કરોડોની ડ્રેનેજ બિસ્માર... સામરખા ચોકડી પાસે ખુલ્લો ખાડો બન્યો ‘મોતનો કૂવો’

કરોડો રૂપિયા ખર્ચાયા... આધુનિક ડ્રેનેજ લાઈન પણ બની... પરંતુ આજે હાલત એવી કે વાહનચાલકો માટે એ જ લાઈન ‘મોતનો ખાડો’ બની શકે છે!

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારીનો એક ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે.

ચોમાસા દરમિયાન હાઈવે અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ન જાય તે માટે હાઈવે ઓથોરિટી દ્વારા લગભગ બે વર્ષ પહેલાં કરોડોના ખર્ચે આધુનિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી હતી.

પરંતુ યોગ્ય સફાઈ અને નિયમિત જાળવણીના અભાવે આજે આ ડ્રેનેજ પ્રોજેક્ટ જ બિસ્માર હાલતમાં પહોંચ્યો હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ખાસ કરીને સામરખા ચોકડી પાસે ડ્રેનેજ લાઈનનું ઢાંકણું ગાયબ થઈ જતાં રસ્તા નજીક મોટો ખુલ્લો ખાડો સર્જાયો છે.

અને આ ખાડો કોઈ સામાન્ય ખાડો નથી...

રાત્રિના સમયે કે વરસાદ દરમિયાન કોઈ વાહનચાલક તેની ઝપેટમાં આવી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે!

સ્થિતિ એટલી ગંભીર બની કે તંત્રની રાહ જોવાને બદલે સ્થાનિકોએ જાતે જ ખાડામાં લાકડીઓ અને ઝાડી-ઝાંખરા મૂકીને અન્ય વાહનચાલકોને ચેતવણી આપવાની ફરજ પડી.

સામરખા જ નહીં, પરંતુ ચિખોદરા ચોકડી, વાસદ, મોગર સહિત અનેક વિસ્તારોમાં ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

એક તરફ હાઈવે ઓથોરિટી નિયમિત સફાઈ અને જાળવણીના દાવા કરે છે...

બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ તસવીર બતાવી રહી છે!

કરોડોનો ખર્ચ તો થયો... પરંતુ જાળવણીના અભાવે સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની ગઈ!

હવે સવાલ એ છે કે—

 શું કોઈ મોટો અકસ્માત થયા પછી જ તંત્રની ઊંઘ ઉડશે?

કે પછી સમયસર આ ખુલ્લા ખાડાઓ બંધ કરીને ડ્રેનેજ વ્યવસ્થાની યોગ્ય સફાઈ અને જાળવણી કરવામાં આવશે?

કારણ કે હાઈવે પર એક નાની બેદરકારી... કોઈના જીવન માટે મોટી દુર્ઘટના બની શકે છે!