Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સોશિયલ મીડિયા ઈન્ફલ્યુઅન્સરોને બોલાવ્યા, સરકાર તરફી પોસ્ટ અંગે ચર્ચા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સોશિયલ મીડિયા ઈન્ફલ્યુઅન્સરોને બોલાવ્યા, સરકાર તરફી પોસ્ટ અંગે ચર્ચા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સોશિયલ મીડિયા ઈન્ફલ્યુઅન્સરોને લઈને એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના એક રિપોર્ટ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરના કેટલાક જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફલ્યુઅન્સરોને બોલાવીને તેમની પોસ્ટ અને કન્ટેન્ટ અંગે પૂછપરછ કરી હોવાની ચર્ચા છે.


સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ઈન્ફલ્યુઅન્સરોને સરકારની યોજનાઓ અને વિકાસકામોને લગતા વીડિયો તથા પોસ્ટ શેર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે એવી પણ સલાહ આપવામાં આવી હતી કે સરકારને નુકસાન પહોંચાડે તેવા કન્ટેન્ટ અથવા વિપક્ષને ફાયદો થાય તેવી પોસ્ટથી દૂર રહેવું.


IBના રિપોર્ટ બાદ તંત્ર સક્રિય

માહિતી મુજબ, ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટમાં જણાવાયું હતું કે ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર સ્થાનિક મુદ્દાઓ અને શાસક પક્ષની કામગીરી અંગે થતી કેટલીક પોસ્ટ નકારાત્મક પ્રચારનું કારણ બની શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાંચે કેટલાક ઈન્ફલ્યુઅન્સરોને બોલાવી તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે.


અસંમતિ દર્શાવનારને ચેતવણી?

કેટલાક સૂત્રોનું કહેવું છે કે, કેટલીક વ્યક્તિઓએ આ સૂચનાઓ અંગે અસંમતિ વ્યક્ત કરતા તેમને આડકતરી રીતે ચેતવણી પણ આપવામાં આવી હતી. ચર્ચા છે કે જો સૂચનાઓનું પાલન ન થાય તો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા યુટ્યુબ ચેનલ સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.


ચૂંટણી નજીક આવતા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર માહિતી અને પ્રચારના પ્રભાવને લઈને આ મુદ્દો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement