Advertisement

આણંદમાં શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

આણંદમાં શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

 આણંદમાં ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ નિમિત્તે   શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણદેવના દેશના તાબામાં આવેલ તથા શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રસ્થાપિત અને સદ્દગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા આરતી કરાયેલ પ્રસાદી સ્વરૂપ એવા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર, આણંદ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય અને ધાર્મિક મહત્ત્વસભર ઉજવણી યોજાનાર છે.


આ પવિત્ર પ્રસંગે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર, આણંદ તથા શ્રી સહજાનંદ સ્મૃતિ મંદિરના મહંતશ્રી પ.પૂ.સ.ગુ. શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી (ગુરૂ ધ્યાની સ્વામી), શ્રીજી પ્યારક સ્વામી સહિત અન્ય પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ નિમિત્તે વિશેષરૂપે મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જશે.


         આ અંગે મંદિરના ટ્રસ્ટી શ્રી હરિકૃષ્ણભાઈએ તમામ હરિભક્તોને આ પવિત્ર ઉત્સવમાં હાજરી આપી દાદાના દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે. કાર્યક્રમ મુજબ સવારે ૪:૦૦ કલાકે દાદાના દર્શન શરૂ થશે અને સવારે ૪:૩૦ કલાકે મંગળા આરતી યોજાશે. ત્યારબાદ સવારે ૬:૩૦ થી ૭:૦૦ દરમિયાન દાદાનો દિવ્ય અભિષેક કરવામાં આવશે તથા સવારે ૭:૩૦ કલાકે શણગાર આરતી કરવામાં આવશે. સવારે ૮:૩૦ કલાકે મંદિરના મહંતશ્રી પ.પૂ.સ.ગુ. શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી (ગુરૂ ધ્યાની સ્વામી)ના પાવન હસ્તે મારૂતિ યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે ૧૨:૩૦ કલાકે અન્નકૂટ આરતી યોજાશે, જ્યારે સાંજે ૫:૩૦ કલાકે વડતાલવાસી પ.પૂ. ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના પાવન હસ્તે યજ્ઞની પૂર્ણાહુતિ વિધિ શ્રીફળ હોમી કરવામાં આવશે.


                       આ ઉત્સવ નિમિત્તે આણંદ તથા સમગ્ર ચરોતર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે ઉમટતા હોય છે. મંદિર તરફથી વર્ષોની પરંપરા અનુસાર સવારે ૪:૩૦ કલાકથી રાત્રે ૧૦:૩૦ કલાક સુધી દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

Advertisement