આણંદ જિલ્લામાં ફૂડ સેફટી વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયામાં શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
તપાસ દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટરોને સ્વચ્છતા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. રસોડામાં કામ કરતા સ્ટાફને એપ્રોન, કેપ અને ગ્લવ્ઝ પહેરીને જ ખોરાક બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેથી ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન થાય.
આ સાથે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ મોબાઈલ લેબ દ્વારા જિલ્લામાં આવેલી ૫ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં મિલ્કોસ્કેન મશીનથી સ્થળ પર જ દૂધની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત તારાપુર ચોકડી, વિદ્યાનગર અને મોટા બજાર વિસ્તારમાં આવેલી લારીઓ અને ખાણી-પીણીના સ્ટોલ્સ પર પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં બિનઆરોગ્યપ્રદ જણાયેલા લગભગ ૨.૫ લિટર વપરાયેલ તેલ અને ૩ લીટર ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૪૩ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં તૈયાર ભોજન, અથાણાં, સોસ, ઘી, મસાલા, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, શ્રીખંડ અને પેકેજ્ડ પાણીનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને વધુ પરીક્ષણ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.