આણંદ શહેરના શાસ્ત્રીબાગ ખાતે ગુરુવારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ 500થી વધુઆંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરોએ વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ધરણાં યોજી રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિતના નેતૃત્વમાં થયું હતું. શાસ્ત્રી મેદાન ખાતે ધરણાં યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રીબાગથી ગુરુદ્વારા સર્કલ સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ સંગઠનની આગેવાન મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદન સુપરત કર્યું હતું.
આ પ્રસંગે મહામંત્રી કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું કે આંગણવાડી મહિલા વર્કરો વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ અને સરકારની વિવિધ યોજનાઓના અમલ જેવા મહત્વપૂર્ણ કાર્યો ઓછા વેતન અને ભારે કામના બોજ સાથે કરી રહી છે. તેમ છતાં, તેમને આજની મોંઘવારીને અનુરૂપ વેતન મળતું નથી.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર એપ, રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી, ફોટો અપલોડ, એફઆરએસ અને ઓટીપી જેવી કામગીરીને કારણે વર્કરોના અંગત મોબાઈલ પર ભારે ભાર પડે છે.
એપ આધારિત કામગીરીથી યોજનાની મુખ્ય સેવાઓ અને બાળકોના શિક્ષણ પર પણ અસર થઈ રહી છે, તેથી ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. સંગઠન દ્વારા આગામી રાજ્ય બજેટમાં હાઇકોર્ટના હુકમ મુજબ વેતન વધારો, નિયમિત કર્મચારીનો દરજ્જો, પેન્શન અને સામાજિક સુરક્ષા લાભો, નવા મોબાઈલની વ્યવસ્થા, મોબાઈલ ઇન્સેન્ટિવ નિયમિત આપવા તેમજ રજીસ્ટર પદ્ધતિ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.આ ઉપરાંત, બાળકોના આહાર દરમાં વધારો, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી અને એક વખત જિલ્લા-તાલુકા ફેરબદલીની તક આપવાની માંગ પણ રજૂ કરવામાં આવી હતી.