આણંદમાં લાકડાની અછતનો મુદ્દો ગંભીર બન્યો, કૈલાસ ભૂમિ બાદ મોગરી અને વિદ્યાનગરના સ્મશાનમાં પણ સ્ટોક ખૂટ્યો

આણંદમાં લાકડાની અછતનો મુદ્દો ગંભીર બન્યો, કૈલાસ ભૂમિ બાદ મોગરી અને વિદ્યાનગરના સ્મશાનમાં પણ સ્ટોક ખૂટ્યો

આણંદ મહાનગરપાલિકાના સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે જરૂરી લાકડાની અછતનો મુદ્દો હવે વધુ ગંભીર બનતો જાય છે. શહેરના કૈલાસ ભૂમિ સ્મશાનગૃહમાં લાકડાની અછત અંગે ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે હવે મોગરી અને વિદ્યાનગર સહિતના અન્ય સ્મશાનોમાં પણ લાકડાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. મનપામાં થયેલા કહેવાતા લાખો રૂપિયાના લાકડા કૌભાંડની અસર હવે શહેરની બહારના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, આણંદ મનપા વિસ્તારમાં સમાવિષ્ટ મોગરી અને વિદ્યાનગરની સ્મશાનભૂમિમાં હાલ લાકડાનો સ્ટોક અત્યંત ઓછો છે. ક્યાંક માંડ એક ટ્રેક્ટર જેટલો જથ્થો ઉપલબ્ધ છે, તો ક્યાંક થોડા દિવસોમાં જ લાકડાનો જથ્થો ખૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મોગરી સ્મશાનમાં માંડ એક ટ્રેક્ટર લાકડાનો જથ્થો

મોગરી સ્મશાનગૃહની સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. અહીં હાલ માંડ એક ટ્રેક્ટર જેટલો લાકડાનો જથ્થો ઉપલબ્ધ છે. તેમાં પણ મોટાભાગે લાકડાના મોટા ટુકડાઓને બદલે ઝાડનાં ડાળખાં હોવાનું સામે આવ્યું છે.

સ્મશાનગૃહના કર્મચારીએ ત્રણ દિવસ અગાઉ જ મનપાને લાકડાનો નવો જથ્થો મોકલવા અંગે જાણ કરી હતી. જોકે, આટલો સમય વીતી જવા છતાં લાકડાનો પૂરતો જથ્થો ન પહોંચતા અંતિમ સંસ્કારની વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી થઈ છે.

વિદ્યાનગરમાં રોજના 4થી 6 અંતિમ સંસ્કાર, લાકડાનો જથ્થો માત્ર બે-ત્રણ દિવસ ચાલે તેટલો

બીજી તરફ વિદ્યાનગર સ્મશાનભૂમિમાં પણ લાકડાની અછતની સ્થિતિ સામે આવી છે. અહીં દરરોજ સરેરાશ 4થી 6 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે અંદાજે 20 મણ લાકડાની જરૂરિયાત રહે છે.

સ્મશાનમાં લાકડાની અછત અંગે એક અઠવાડિયા અગાઉ મનપાને જાણ કરવામાં આવી હતી. તેના પગલે મનપા દ્વારા માત્ર 125 મણ જેટલો લાકડાનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. આ જથ્થો પણ વર્તમાન વપરાશ પ્રમાણે બે-ત્રણ દિવસથી વધુ ચાલે તેવી શક્યતા નથી.

જો કોઈ દિવસે છથી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની સ્થિતિ સર્જાય તો વધારાના લાકડાની વ્યવસ્થા ક્યાંથી કરવામાં આવશે તેવો સવાલ ઊભો થયો છે.

અધિકારીઓ સુધી વાસ્તવિક સ્થિતિ પહોંચે છે કે નહીં?

સૂત્રોના જણાવ્યા અનુસાર, મનપાના સંબંધિત વિભાગના કેટલાક એન્જિનિયરો દ્વારા સ્મશાનોમાં લાકડાના વાસ્તવિક સ્ટોક અંગે અધિકારીઓ અને સત્તાપક્ષના સભ્યોને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી અને પરિસ્થિતિને ઢાંકવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચા છે. જો તંત્ર સુધી વાસ્તવિક સ્થિતિ સમયસર પહોંચતી ન હોય તો લાકડાની અછતનો પ્રશ્ન વધુ ગંભીર બની શકે છે.

સ્મશાનમાં પણ પૂરતી વ્યવસ્થા નહીં તો જવાબદાર કોણ?

શહેરના નાગરિકોને અન્ય પાયાની સુવિધાઓમાં મુશ્કેલી પડે તો પણ તેઓ કોઈક રીતે ચલાવી લે છે, પરંતુ અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ અને અનિવાર્ય વ્યવસ્થામાં લાકડાની અછત સર્જાય તે અત્યંત ગંભીર બાબત છે.

કૈલાસ ભૂમિથી શરૂ થયેલો લાકડાની અછતનો મુદ્દો હવે મોગરી અને વિદ્યાનગર સુધી પહોંચ્યો છે. આવી સ્થિતિમાં મનપાના સત્તાધીશોએ માત્ર આશ્વાસન આપવાને બદલે તમામ સ્મશાનોમાં લાકડાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે.

હવે સવાલ એ છે કે લાખો રૂપિયાના લાકડા કૌભાંડની ચર્ચાઓ વચ્ચે મનપા આ સમગ્ર વ્યવસ્થામાં રહેલી ખામીઓ ક્યારે દૂર કરશે અને સ્મશાનોમાં લાકડાનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કાયમી આયોજન ક્યારે કરશે?