આણંદમાં દૂષિત પાણીથી 25થી વધુ સોસાયટીના રહીશો પરેશાન, મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો

આણંદમાં દૂષિત પાણીથી 25થી વધુ સોસાયટીના રહીશો પરેશાન, મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો

આણંદ શહેરના ભગતસિંહ સ્ટેચ્યુ વિસ્તારના રહીશો છેલ્લા બે દિવસથી દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન છે. સિંધી હોલ અને સંતરામ સોસાયટી સહિત 25થી વધુ સોસાયટીઓમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે સ્થાનિક મહિલાઓએ મનપા કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.

બુધવારે મોટી સંખ્યામાં મહિલાઓ અને રહીશો દૂષિત પાણીની બોટલો તથા ડોલ લઈને આણંદ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. અહીં ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલની ચેમ્બરમાં જઈને મહિલાઓએ તેમના ટેબલ પર જ ગંદા પાણીની બોટલો મૂકી ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન મનપાના કર્મચારીઓ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ થતાં કચેરીમાં ભારે હોબાળો પણ થયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વોર્ડ નંબર 7માં આવેલી સોસાયટીઓમાં છેલ્લા બે દિવસથી નળમાંથી ગટરનું દુષિત પાણી આવી રહ્યું છે. પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે. આ સમસ્યા અંગે અગાઉ પણ મનપામાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.

રહીશોએ જણાવ્યું હતું કે સિંધી હોલ પાસે આવેલી વોટર વર્ક્સની ટાંકી નજીક ગટર લાઈન અને પાણીની પાઈપલાઈન એકબીજાની નજીક આવેલી છે. જૂની અને જર્જરિત પાણીની પાઈપલાઈનમાં વારંવાર લીકેજ થવાના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે. આ સમસ્યા લાંબા સમયથી હોવા છતાં પાઈપલાઈન બદલવાની કામગીરી કરવામાં આવતી નથી.

મામલો ઉગ્ર બનતા ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે તાત્કાલિક પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી અને સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ રહીશોનો રોષ શાંત થયો હતો.

નોંધનીય છે કે જૂની પાઈપલાઈનો બદલવા માટે મનપાના બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવી હોવા છતાં કામગીરી શરૂ ન થતાં સ્થાનિક નાગરિકોને વારંવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મનપા તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી રહીશોને ફરી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે તે જોવું રહ્યું.