આણંદ યુરિયા કૌભાંડ બાદ કૃષિ વિભાગમાં મોટો ફેરફાર, 79 અધિકારીઓની સાગમટે બદલી

આણંદ યુરિયા કૌભાંડ બાદ કૃષિ વિભાગમાં મોટો ફેરફાર, 79 અધિકારીઓની સાગમટે બદલી

આણંદના નાપા વાંટા રોડ પર સબસિડીયુક્ત સરકારી યુરિયા ખાતરના ગેરકાયદેસર વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે રાજ્યના કૃષિ વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નાયબ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત કુલ 79 અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નાપા વાંટા રોડ પર પોલીસે દરોડો પાડીને ખેતી માટે વપરાતા સબસિડીયુક્ત સરકારી યુરિયા ખાતરને ઔદ્યોગિક ઉપયોગ માટે ગેરકાયદેસર રીતે વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ મામલે ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરના ચાર શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા, જે તમામ નમૂના પરીક્ષણમાં ફેઈલ થયા હોવાનું સામે આવ્યું હતું. આ ખુલાસા બાદ કૃષિ વિભાગની કામગીરી અને દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાજ્ય સરકારે મોટો વહીવટી નિર્ણય લેતા 79 અધિકારીઓની બદલીના આદેશ જાહેર કર્યા છે. આદેશ મુજબ તમામ સંબંધિત અધિકારીઓને હાલની ફરજ પરથી તાત્કાલિક છૂટા થઈ નવી જગ્યાએ હાજર થવા અને તેની જાણ સરકારને કરવા સૂચના આપવામાં આવી છે.

આણંદમાં અધિકારીઓની નવી નિમણૂક અને બદલી

  • આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલની બદલી ગોધરા, પંચમહાલ ખાતે કરવામાં આવી છે.

  • આણંદના નાયબ ખેતી નિયામક સચીનકુમાર ગઢીયાની વડોદરા ખાતે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તરીકે બદલી કરવામાં આવી છે.

  • નાયબ ખેતી નિયામક (તાલીમ) ઘનશ્યામ ભાલોડીની મોરબી ખાતે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

  • પોરબંદરના જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ત્રિવેદીની આણંદ ખાતે નાયબ ખેતી નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

  • છોટાઉદેપુરના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ધવલકુમાર પટેલને આણંદ ખાતે નાયબ ખેતી નિયામક (તાલીમ)ની જવાબદારી સોંપવામાં આવી છે.

નાપા વાંટા રોડ પર પકડાયેલા યુરિયા ખાતરના ગેરકાયદેસર વેચાણના કૌભાંડ બાદ કૃષિ વિભાગમાં થયેલી આ સામૂહિક બદલીને મહત્વપૂર્ણ વહીવટી પગલા તરીકે જોવામાં આવી રહી છે. હવે નવી નિમણૂક બાદ આણંદ જિલ્લામાં ખેતીવાડી વિભાગની કામગીરીમાં કેવા ફેરફાર જોવા મળે છે તે જોવું રહ્યું.