આણંદ જિલ્લો વિકાસની દિશામાં આગળ વધી રહ્યો હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જિલ્લાના અનેક શહેરોમાં સુવ્યવસ્થિત શહેરી આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. બોરસદ, ખંભાત, આંકલાવ, સોજીત્રા, પેટલાદ, ઉમરેઠ, ઓડ, બોરીયાવી અને તારાપુર જેવી નગરપાલિકાઓમાં વિકાસની સાથે જરૂરી ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) અને ડેવલપમેન્ટ પ્લાન (DP)ની કામગીરી પૂરતી થઈ નથી. પરિણામે અનેક વિસ્તારોમાં આડેધડ બાંધકામો થઈ રહ્યાં છે, જે આગામી સમયમાં ટ્રાફિક, પર્યાવરણ અને પાયાની સુવિધાઓ માટે ગંભીર પડકાર ઊભા કરી શકે છે.
અનેક શહેરોમાં એકપણ ટીપી સ્કીમને મંજૂરી નહીં
જિલ્લાની નગરપાલિકાઓને અલગ-અલગ વર્ગમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમ છતાં શહેરી વિકાસ માટે જરૂરી આયોજનની સ્થિતિ ચિંતાજનક છે. ખંભાત, સોજીત્રા, આંકલાવ, ઓડ અને બોરીયાવીમાં આજદિન સુધી એકપણ ટીપી સ્કીમને મંજૂરી મળી નથી. જ્યારે ઉમરેઠ, પેટલાદ અને બોરસદમાં વર્ષ 1996 અને 2013 દરમિયાન માત્ર બે ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ટાઉન પ્લાનિંગ વિના થતાં બાંધકામોને કારણે ભવિષ્યમાં રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધી શકે છે. ગટર અને પાણીની નવી પાઇપલાઇનો નાખવા માટે પૂરતી જગ્યા નહીં રહેવાની સાથે બગીચા, જાહેર સુવિધાઓ અને આરોગ્ય કેન્દ્રો માટે જમીન મેળવવી પણ મુશ્કેલ બની શકે છે.
આયોજનના અભાવે શહેરોના વિકાસ સામે પડકાર
વર્ષ 1997માં આણંદને અલગ જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ આણંદ, ઉમરેઠ, પેટલાદ, સોજીત્રા, બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર સહિત આઠ તાલુકાનું માળખું રચાયું હતું. ત્યારબાદ બોરીયાવી અને ઓડ જેવી નવી નગરપાલિકાઓ પણ અસ્તિત્વમાં આવી.
વધતા શહેરીકરણ સાથે માત્ર રસ્તા અને મકાનોનું નિર્માણ પૂરતું નથી. શહેરના લાંબા ગાળાના વિકાસ માટે પાણી, ગટર, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર બગીચા, આરોગ્ય સુવિધાઓ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જરૂરી છે. જોકે, અનેક નગરપાલિકાઓમાં નવી ડીપી કે ટીપી સ્કીમ સમયસર મંજૂર ન થતાં વિકાસ આયોજનબદ્ધ રીતે આગળ વધી શક્યો નથી.
સ્થાનિક સ્તરે સત્તાધીશોમાં થતા ફેરફારો અને રાજકીય નેતૃત્વ દ્વારા લાંબા ગાળાના આયોજનને પૂરતું મહત્ત્વ ન મળવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ હોવાની ચર્ચા છે. ખાસ કરીને વર્ષ 1994માં અસ્તિત્વમાં આવેલી બોરીયાવી નગરપાલિકામાં હજુ સુધી ડેવલપમેન્ટ પ્લાનની સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
સોજીત્રામાં ડીપી મંજૂર, પરંતુ ટીપી સ્કીમની રાહ
સોજીત્રા નગરપાલિકાનો ડેવલપમેન્ટ પ્લાન વર્ષ 2017માં મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારથી આજદિન સુધી એકપણ ટીપી સ્કીમને મંજૂરી મળી નથી. હાલ ડ્રાફ્ટ ડીપીમાં નવા આયોજન સાથે જરૂરી પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
પાલિકા વિસ્તારમાં કોમન જીડીસીઆર મુજબ પ્રસ્તાવિત ડીપીમાં નક્કી કરાયેલા રોડ માર્જિનને ધ્યાનમાં રાખીને બાંધકામની પરવાનગી આપવામાં આવે છે. સોજીત્રાનો વિસ્તાર મર્યાદિત હોવા ઉપરાંત મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી શહેરનો વિકાસ પ્રમાણમાં મર્યાદિત રહ્યો છે. તેમ છતાં ભવિષ્યમાં સુવ્યવસ્થિત વિકાસ માટે ટીપી સ્કીમ જરૂરી હોવાનું માનવામાં આવે છે.
ઓડ નગરપાલિકામાં ડેવલપમેન્ટ પ્લાન જ નથી
ઓડ નગરપાલિકાની સ્થિતિ પણ અલગ નથી. અહીં હજુ સુધી ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થયો નથી. ડીપી ન હોવાના કારણે ટીપી સ્કીમની પ્રક્રિયા આગળ વધારવાની સ્થિતિ પણ ઊભી થઈ શકી નથી.
ઓડ નગરપાલિકા વિસ્તારને એરિયા ડેવલપમેન્ટમાં સામેલ કરવા માટે નગર નિયોજક દ્વારા દરખાસ્ત ગાંધીનગરના ચીફ ટાઉન પ્લાનરને મોકલવામાં આવી છે. આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ ડ્રાફ્ટ ડીપી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પેટલાદના લાંબા ઇતિહાસ છતાં માત્ર બે ટીપી સ્કીમ
પેટલાદ નગરપાલિકાની સ્થાપના વર્ષ 1876માં થઈ હતી. એક સમયે કાપડની મિલો માટે જાણીતું પેટલાદ શહેર આજે પણ આયોજનબદ્ધ વિકાસની રાહ જોઈ રહ્યું છે. શહેરના વિકાસ માટે વર્ષ 2013માં ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો.
શહેરી વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 1 અને 2 અમલી બની છે, જ્યારે ટીપી સ્કીમ નંબર 3 હજુ સુધી અમલી બની નથી. લાંબા સમયથી અટકેલા વિકાસને ગતિ આપવા માટે બાકી રહેલી આયોજન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બની છે.
ભવિષ્યના શહેરી વિકાસ માટે આયોજન જરૂરી
આણંદ જિલ્લાના શહેરોમાં વધતી વસ્તી અને શહેરીકરણને ધ્યાનમાં રાખીને ડીપી અને ટીપી સ્કીમ સમયસર મંજૂર કરવી જરૂરી છે. અન્યથા આગામી વર્ષોમાં રસ્તાઓ પર ટ્રાફિક, પાણી-ગટર વ્યવસ્થા, પર્યાવરણ અને જાહેર સુવિધાઓને લગતી સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે.
હવે સવાલ એ છે કે જિલ્લાના જે શહેરોમાં વર્ષોથી ટાઉન પ્લાનિંગનું આયોજન અધૂરું છે ત્યાં તંત્ર અને સ્થાનિક નેતૃત્વ ક્યારે નક્કર પગલાં લેશે? શહેરોનો વિકાસ માત્ર બાંધકામો પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ નાગરિકોને જરૂરી પાયાની સુવિધાઓ પણ મળી રહે તે માટે આયોજનબદ્ધ શહેરી વિકાસ અનિવાર્ય બન્યો છે.