ભારતમાં બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડતા અટકાવતા કાયદા ફરી ચર્ચામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ કાયદાઓની પ્રાસંગિકતા અને બંધારણીય માન્યતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે દેશમાં પ્રજનન દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે દાયકાઓ જૂની બે બાળકોની નીતિ પર ફરી વિચાર કરવાની જરૂર છે.
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે આ મામલે 2003ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર કરવા માટે કેસ મોટી બેન્ચને સોંપ્યો છે. આ સાથે મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ સરપંચ મંગલા ભીમરાવને ત્રીજા બાળકના જન્મના કારણે ચૂંટણી માટે અયોગ્ય ઠેરવવાના મામલાને પણ મહત્વ મળ્યું છે.
સુપ્રીમ કોર્ટે પ્રજનન દરમાં ઘટાડા અંગે શું કહ્યું?
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ભારતમાં કુલ પ્રજનન દર વર્ષ 2003માં 3 હતો, જે હવે ઘટીને 1.9 થઈ ગયો છે. સામાન્ય રીતે 2.1ના પ્રજનન દરને રિપ્લેસમેન્ટ રેટ એટલે કે વસ્તીનું પ્રમાણ જાળવવા માટે જરૂરી દર માનવામાં આવે છે.
કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે પ્રજનન દરમાં સતત ઘટાડો થવાથી ભવિષ્યમાં વૃદ્ધોની વસ્તી વધી શકે છે અને કામકાજ કરી શકે તેવા લોકોની સંખ્યા ઘટી શકે છે. આવા વસ્તી વિષયક ફેરફારોને અવગણવાથી લાંબા ગાળે ગંભીર પરિણામો આવી શકે છે.
બે બાળકોની શરતથી નાગરિકોના રાજકીય અધિકારો પર અસર?
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને ચૂંટણી લડતા અટકાવતા કાયદા નાગરિકોના એક મોટા વર્ગને રાજકીય પ્રતિનિધિત્વથી દૂર રાખે છે.
કોર્ટના મતે, બે કરતાં વધુ બાળકો હોવાનો કોઈ વ્યક્તિની જાહેર પદ સંભાળવાની ક્ષમતા સાથે સીધો સંબંધ નથી. આવા કાયદા નાગરિકોને સંતાન પેદા કરવાના અધિકાર અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાના અધિકાર વચ્ચે પસંદગી કરવા મજબૂર કરી શકે છે.
બેન્ચે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મળેલા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારના સંદર્ભમાં પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાની સ્વતંત્રતા અંગે પણ મહત્વપૂર્ણ અવલોકન કર્યું.
ત્રીજા બાળકના જન્મ બાદ પૂર્વ સરપંચને પદ ગુમાવવું પડ્યું
આ સમગ્ર મામલો મહારાષ્ટ્રની કાકોડા ગ્રામ પંચાયતનાં ભૂતપૂર્વ સરપંચ મંગલા ભીમરાવ સાથે જોડાયેલો છે. મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ, 1959ની કલમ 14(1)(j-1) મુજબ બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાય છે.
મંગલા ભીમરાવને ત્રીજા બાળકના જન્મ બાદ આ જોગવાઈ હેઠળ અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં હતાં. એડિશનલ કલેક્ટરે તેમની સામે નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ તેમણે એડિશનલ કમિશનર સમક્ષ અપીલ કરી, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી નહોતી.
આખરે બોમ્બે હાઈકોર્ટે 5 ઓગસ્ટ 2025ના રોજ તેમની અયોગ્યતા યથાવત રાખી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
7 રાજ્યોએ બે બાળકોની નીતિ સમાપ્ત કરી
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યોમાં બે બાળકોની શરતની સ્થિતિ અંગે માહિતી મંગાવી હતી. આ મામલે કોર્ટને જણાવવામાં આવ્યું કે 7 રાજ્યોએ આ શરત સમાપ્ત કરી દીધી છે, જ્યારે 15 રાજ્યોમાં આવી કોઈ નીતિ અમલમાં નથી.
બીજી તરફ આસામ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાં બે બાળકોની શરત સંબંધિત નિયમો હજુ પણ લાગુ છે.
2003ના ચુકાદા પર ફરી વિચાર કેમ?
વર્ષ 2003માં 'જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્ય' કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે હરિયાણા પંચાયતી રાજ અધિનિયમ, 1994 હેઠળ બે કરતાં વધુ જીવિત બાળકો ધરાવતી વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતી જોગવાઈને બંધારણીય રીતે માન્ય ઠેરવી હતી.
હવે બદલાતી વસ્તી સ્થિતિ, ઘટતો પ્રજનન દર અને નાગરિકોના લોકશાહી અધિકારોને ધ્યાનમાં રાખીને આ જૂના ચુકાદા પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને મોટી બેન્ચ સમક્ષ મોકલ્યો છે. જોકે, હાલ બે બાળકોની શરતને લગતા તમામ કાયદા રદ કરવામાં આવ્યા નથી. હવે મોટી બેન્ચ આ કાયદાઓની બંધારણીય માન્યતા અને 2003ના ચુકાદા પર પુનર્વિચાર અંગે નિર્ણય લેશે.