આણંદ: આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તેમજ ચોમાસામાં સંભવિત પૂર,વાવાઝોડું,ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની વિસ્તૃત જાણકારી મેળવી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આગામી ચોમાસા દરમિયાન આણંદ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા કોઈ સમસ્યા ઉભી ન થાય તે રીતે અગાઉથી કામગીરી કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ તેમજ જરુરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ કરવા, વન વિભાગ દ્વારા રસ્તા ઉપર નમી પડેલા ઝાડ અને ડાળીઓનું ટ્રિમીંગ થાય, જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ કિટ સહિતની તૈયારી માટેનું આયોજન કરવા આરોગ્ય વિભાગને તેમજ વિજ વિભાગના કર્મીઓને જ્યાં વાયર ખુલ્લા હોય તેને કોર્ડન કરવા ઉપરાંત ડીપીની યોગ્ય સાફ-સફાઈ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના અન્ય વિભાગો ખાસ કરીને એમજીવીસીએલ, પંચાયત, શિક્ષણ વિભાગ દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં કોઈ કામ બાકી ન રહી જાય તે જોવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.
વધુમાં કલેકટરશ્રીએ આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષી પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોશ્રીને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરવાની શક્યતા ઉભી થાય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા તથા આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર શ્રી હિરેનભાઈ બારોટ, નાયબ વન સંરક્ષકશ્રી સુરેશ મીના, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ, પ્રાંત અધિકારીશ્રીઓ અને મહાનગરપાલિકા નાયબ કમિશનરશ્રી એસ.કે.ગરવાલ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.