આણંદ ગ્રામ્યની ૪૦ ગ્રામ પંચાયતોમાં સરપંચપદનું અનામત રોટેશન જાહેર, ૧૭ દિવસના વિલંબે ઊભા કર્યા સવાલો

આણંદ ગ્રામ્યની ૪૦ ગ્રામ પંચાયતોમાં સરપંચપદનું અનામત રોટેશન જાહેર, ૧૭ દિવસના વિલંબે ઊભા કર્યા સવાલો

આણંદ: આણંદ ગ્રામ્ય તાલુકાની ૪૦ ગ્રામ પંચાયતોમાં આગામી સરપંચપદની ચૂંટણીને લઈને અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામું જાહેર થવામાં થયેલા ૧૭ દિવસના વિલંબ અને તેમાં પૂર્વ કલેક્ટર પ્રવિણ ચૌધરીની સહી હોવાને કારણે વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

જાહેરનામા પર ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ની તારીખ દર્શાવવામાં આવી છે, પરંતુ તે તૈયાર થયાના ૧૭ દિવસ બાદ એટલે કે ૧૨ નવેમ્બરે જાહેર જનતા સમક્ષ મૂકાયું હોવાનું સામે આવ્યું છે. આટલા દિવસ સુધી જાહેરનામું કેમ જાહેર કરવામાં આવ્યું નહોતું અને વિલંબ પાછળનું ચોક્કસ કારણ શું છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૫૧ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને જિલ્લા કલેક્ટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા આ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. તાલુકાની ૪૦ ગ્રામ પંચાયતોને વિવિધ અનામત વર્ગોમાં વહેંચવામાં આવી છે.

આ ગામોમાં મહિલા અનામત

ખેરડા, કુંજરાવ, મેઘવા (ગાના), નાપાડ તળપદ, નાપાડ વાંટા અને નાવલી ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે.

આ ગામોમાં સામાન્ય અનામત

રાહતલાવ, રાજુપુરા, રામનગર, રાસનોલ અને રાવળાપુરા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બિનઅનામત વર્ગમાં મહિલા અનામત

અડાસ, કણભઇપુરા, સદાનાપુરા, સામરખા, સંદેશર, સારસ, સુંદણ, ત્રણોલ, વડોદ, વઘાસી, વહેરાખાડી, વાંસખીલીયા અને વાસદનો સમાવેશ થાય છે.

સામાન્ય બેઠકો

અજરપુરા, અજુપુરા, આંકલાવડી, બેડવા, ગાના, હાડગુડ, ઝાંખરીયા, જોળ, કાસોર, ખંભોળજ, ખાંધલી, ખાનપુર અને મોગર ગ્રામ પંચાયતોમાં સામાન્ય બેઠક જાહેર કરવામાં આવી છે.

જાહેરનામા મુજબ પ્રાંત અધિકારી, આણંદ ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત કચેરીઓના નોટિસ બોર્ડ તેમજ ગ્રામ પંચાયતોનાં જાહેર સ્થળોએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેનો અહેવાલ મોકલવાનો રહેશે.

રોટેશન જાહેર થતાં જ તાલુકાનાં ગામોમાં સરપંચપદ માટે ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોમાં રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને મહિલા અનામત અને અન્ય અનામત વર્ગમાં ગયેલી બેઠકોને કારણે અનેક ગામોમાં સંભવિત ઉમેદવારોની ચૂંટણીલક્ષી ગણતરીઓ બદલાઈ છે.

જોકે, સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ૨૬ ઓક્ટોબરે તૈયાર થયેલું જાહેરનામું ૧૭ દિવસ સુધી જાહેર કેમ ન થયું? પૂર્વ કલેક્ટરની સહી ધરાવતો આ દસ્તાવેજ આટલા દિવસો સુધી કચેરીમાં કેમ રહ્યો? આ વિલંબ પાછળ કોઈ વહીવટી કારણ હતું કે અન્ય કોઈ બાબત, તે અંગે તંત્રની સત્તાવાર સ્પષ્ટતા હવે મહત્ત્વપૂર્ણ બની છે.