આખરે ખંભાત તાલુકામાં આ થઈ શું રહ્યું છે? મુંગા પશુઓનો ભોગ કેમ?

આખરે ખંભાત તાલુકામાં આ થઈ શું રહ્યું છે? મુંગા પશુઓનો ભોગ કેમ?

“જે પશુઓ માટે આ ધરતી જ ઘર છે… આજે એ જ ધરતી અને પાણી તેમના માટે મોતનું કારણ બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે…”

ખંભાત તાલુકામાં પ્રદૂષણનો કહેર હવે માત્ર માણસો કે ખેતી પૂરતો સીમિત રહ્યો નથી… હવે મૂંગા અબોલ પશુઓ પણ તેનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

વૈણજ ભાઠા વિસ્તારમાં ચરતા પશુઓના ટપોટપ મોતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 7 પશુઓના મોત, જ્યારે આશરે 15 પશુઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

જે પશુઓના સહારે પશુપાલકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે… એ જ પશુઓ આજે તેમની આંખો સામે તરફડી રહ્યા છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી છોડાતા ઝેરી કેમિકલ અને દૂષિત પાણીના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને પશુઓએ દૂષિત પાણી પીધા બાદ તેમની તબિયત લથડી હોવાનો સ્થાનિકોનો દાવો છે.

અને આ પહેલી ઘટના નથી…

આ અગાઉ ખંભાતના ભાલ વિસ્તારમાં આવેલા વટાદરા અને વત્રા ગામની સીમમાં ઝેરી ગેસ ફેલાવાના આક્ષેપો થયા હતા. ત્યાં આશરે 200 પક્ષીઓનાં મોત અને 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાન થયાનો દાવો કરવામાં આવ્યો હતો.

હવે સવાલ એ છે… પહેલા પક્ષીઓ મર્યા, પછી પાક બરબાદ થયો અને હવે પશુઓ પણ મોતને ભેટી રહ્યા છે… તો આખરે આ વિસ્તારમાં થઈ શું રહ્યું છે?

શું આ ખરેખર ઝેરી ગેસનું પરિણામ છે? કે પછી કેમિકલયુક્ત દૂષિત પાણી પશુઓના મોતનું કારણ છે?

આ સવાલોના જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. GPCB દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

પણ ત્યાં સુધી એક સવાલ તો રહેશે જ—

“આ મૂંગા જીવોએ કોઈ ગુનો કર્યો નથી… તો પછી તેમની સજા મોત કેમ?”