વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે (15 એપ્રિલ) વોર્ડ નંબર 11માં નાટકીય રાજકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે ભાજપ માટે કોર્પોરેશનમાં પ્રથમ જીત તરીકે માનવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કનુ પ્રજાપતિ પર ઉમેદવારી પરત ખેંચવા માટે રાજકીય દબાણ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર દ્વારા દબાણ થતું હોવાની આશંકાને કારણે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સતર્ક બન્યા હતા અને તેમને સમજાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ કનુભાઈને અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચર્ચા મુજબ ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મેયરના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથેના અંગત સંબંધો આ ઘટનામાં મહત્વપૂર્ણ બન્યા હોવાનું કહેવામાં આવે છે. અંતે કાયદાકીય ગૂંચ ટાળવા માટે કનુ પ્રજાપતિને છૂટા મુકાયા બાદ તેમના ટેકેદારો દ્વારા તેમને વડોદરા પરત લાવવામાં આવ્યા અને અંતિમ દિવસે તેમનું ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યું હતું.
ફોર્મ પરત ખેંચ્યા બાદ કનુ પ્રજાપતિએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમણે કોઈ રાજકીય દબાણમાં આવીને નિર્ણય લીધો નથી, પરંતુ વોર્ડ નંબર 10માંથી ટિકિટ માગવા છતાં પાર્ટીએ વોર્ડ નંબર 11માંથી ઉમેદવારી આપતા તેમણે આ પગલું ભર્યું હતું. જોકે આ સમગ્ર ઘટનાએ કોંગ્રેસની આંતરિક ગતિવિધિઓને બહાર લાવી દીધી છે, અને ચૂંટણી પહેલા જ ભાજપનું પલ્લું ભારે બન્યું હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.