ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 22થી 25 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે 26 માર્ચથી રાજ્યમાં પવનની ગતિ વધશે અને વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળશે.
એપ્રિલના પ્રારંભથી જ હવામાનમાં વધુ અસ્થીરતા જોવા મળશે. 4થી 8 એપ્રિલ દરમિયાન તેજ પવન સાથે વરસાદની શક્યતા છે, જ્યારે 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40થી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે ઉનાળાની તીવ્ર શરૂઆત દર્શાવે છે.
આગળ જઈને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સાયક્લોન અને વાવાઝોડાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ આવી શકે છે. 24 મે થી 4 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ બદલાતા હવામાનનો સીધો પ્રભાવ ખેતી પર પડશે. ખાસ કરીને તેજ પવન અને માવઠાને કારણે ઘઉં અને આંબા જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. નિષ્ણાંતોએ ખેડૂતોને આગોતરા સાવચેતી રાખવા અને પાક રક્ષણ માટે પગલાં લેવા અનુરોધ કર્યો છે.