Advertisement

33 વર્ષની સેવા બાદ ગૌરવભર્યું વિદાય સન્માન: નિવૃત્ત ASIને આણંદ SPનો અનોખો આદર

33 વર્ષની સેવા બાદ ગૌરવભર્યું વિદાય સન્માન: નિવૃત્ત ASIને આણંદ SPનો અનોખો આદર

મૂળ કપડવંજના મહંમદયુસુફ શેખે આણંદ જિલ્લા એલઆઈબીમાં 33 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમની વિદાય નિમિત્તે એલઆઈબી કચેરી ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ તેમને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, એસ.પી. જસાણી તેમને પોતાની ચેમ્બરમાં લઈ ગયા અને પોતાની ખુરશી પર બેસાડીને વિશેષ સન્માન આપ્યું.


આણંદ એસ.પી. કચેરીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યાં એક પોલીસ અધિક્ષકે નાના કર્મચારીની નિષ્ઠાને બિરદાવવા માટે તેમને પોતાની ખુરશી પર બેસાડી સન્માનિત કર્યા. આ પહેલને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બિરદાવી હતી.


આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ શેખે પરિવાર કરતાં પણ ફરજ પ્રત્યે વધુ નિષ્ઠા દાખવીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની ખોટ કચેરીને વર્તાશે. તેમણે ઉમેર્યું હતું કે જો દરેક કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તો તંત્ર વધુ ઝડપી અને સરળ બનશે. તેમણે અન્ય કર્મચારીઓને મહંમદયુસુફ જેવા નિવૃત્ત થતા કર્મચારીઓ પાસેથી પ્રેરણા લેવા પણ અનુરોધ કર્યો હતો.


આ વિદાય સમારોહમાં નિવૃત્ત ડીવાયએસપી દિલીપ ત્રિવેદી, પી.આઈ. આર.એસ. સેંધવ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મહંમદયુસુફ શેખ સાથેના તેમના સંસ્મરણો રજૂ કર્યા હતા. આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલ, પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી એચ.બી. વાઘેલા, એલસીબી પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ અને સીઆઈડી ક્રાઈમના પી.આઈ. આર.ડી. ડાભી સહિતના અધિકારીઓએ પણ નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફનું સન્માન કર્યું હતું.


નિવૃત્ત થતા એ.એસ.આઈ. મહંમદયુસુફ શેખે જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓએ તેમનામાં વિશ્વાસ મૂક્યો હતો, જેના કારણે તેઓ એલઆઈબીમાં 33 વર્ષ સુધી એક જ ટેબલ પર ફરજ બજાવી શક્યા. તેમણે તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


તેમણે પોતાની ફરજને પરિવાર કરતાં પણ વધુ પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાવ્યું હતું. મહંમદયુસુફ શેખે કહ્યું કે તેઓ ક્યારેય તેમના સંતાનોની શાળા કે કોલેજમાં ગયા નથી, અને ઘણીવાર પરિવારને રસ્તામાં છોડીને કચેરીમાં દોડવું પડતું હતું. તેમણે પોતાની પત્નીનો આભાર માન્યો હતો, જેમણે બાળકોનો ઉછેર કર્યો અને તેમને ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ કારણે જ તેઓ આજે સંતોષકારક રીતે નિવૃત્ત થઈ રહ્યા છે.

Advertisement