Advertisement

19 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો: વઘાસી ભુતનાથ મહાદેવ મંદિર લૂંટ કેસમાં LCBની મોટી કાર્યવાહી

19 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો: વઘાસી ભુતનાથ મહાદેવ મંદિર લૂંટ કેસમાં LCBની મોટી કાર્યવાહી

આણંદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન મોટી સફળતા મળી છે. વઘાસી ગામે ભુતનાથ મહાદેવ મંદિરમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 19 વર્ષથી ફરાર રહેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચીખોદરા ચોકડી વિસ્તારમાં રેડ કરી આરોપી જાલાભાઈ ઉર્ફે જીલો સુરમલભાઈ મેડા (ઉ.વ. 41), રહેવાસી મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, વર્ષ 2007માં વઘાસી ગામે ભુતનાથ મહાદેવ મંદિરમાં દસ જેટલા આરોપીઓએ ઘૂસી ધારીયા અને અન્ય હથિયારો સાથે હુમલો કરી લૂંટ ચલાવી હતી, જેના ગુનામાં તે લાંબા સમયથી ફરાર હતો.

પકડાયેલા આરોપી વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ IPC કલમ 395, 397 અને 120(B) હેઠળ ગુનો નોંધાયેલ હતો. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરી અને તેમની LCB ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Advertisement