વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન બાદ આજે શહેરભરમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. બુધવારે તેમના પાર્થિવ દેહને અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો, સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓએ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અંતિમ દર્શન દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને અન્ય અગ્રણી નેતાઓએ પણ યોગેશભાઈ પટેલના પાર્થિવ દેહના દર્શન કરી તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા અશ્રુભીના માહોલમાં નીકળી હતી. અંતિમયાત્રા અમદાવાદી પોળ, રાવપુરા ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા અને સયાજી હોસ્પિટલ પાસે આવેલા ઉદયનારાયણ મંદિર માર્ગે પસાર થઈ કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહ તરફ આગળ વધી હતી. સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને ઠેરઠેર પુષ્પવર્ષા કરી પોતાના પ્રિય જનપ્રતિનિધિને અંતિમ વિદાય આપી હતી.
જનસેવાને જીવનનું ધ્યેય બનાવનારા યોગેશભાઈ પટેલના નિધનથી વડોદરા શહેરે એક અનુભવી અને લોકપ્રિય નેતાને ગુમાવ્યો છે. ખાસવાડી સ્મશાનગૃહ ખાતે ધાર્મિક વિધિ-વિધાન સાથે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં જોડાયેલા લોકોની મોટી સંખ્યાએ તેમના પ્રત્યેના જનપ્રેમ અને લોકચાહનાનું જીવંત પ્રતિબિંબ રજૂ કર્યું હતું.